World Cup 2023 : શાકિબના કૃત્ય પર ભડક્યો મૈથ્યુઝનો ભાઈ, કહ્યું - 'અહિયાં આવશે તો...'
શાકિબ અલ હસનની અપીલ બાદ અમ્પાયરે એન્જેલો મૈથ્યુઝને ટાઈમ આઉટ આપ્યો હતો
Image:IANS |
Angelo Mathews vs Shakib Al Hasan : બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે ODI World Cup 2023ની મેચ દરમિયાન બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનની અપીલ બાદ અમ્પાયરે એન્જેલો મૈથ્યુઝને ટાઈમ આઉટ આપ્યો હતો. જેના કારણે ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો હતો. ઘણાં પૂર્વ ક્રિકેટરોએ તેને ખોટું ગણાવ્યું હતું, જયારે શાકિબે નિયમોને ટાંકીને આ કૃત્યને યોગ્ય ઠેરવ્યું હતું. હવે આ મુદ્દએ જોર પકડ્યો છે. આ ઘટના બાદ એન્જેલો મૈથ્યુઝના ભાઈ ટ્રેવિન મૈથ્યુઝે એક નિવેદન આપ્યું છે જેણે હલચલ મચાવી દીધી છે.
શાકિબ અહિયાં આવશે તો તેના પર પથ્થર ફેકવામાં આવશે - ટ્રેવિન મૈથ્યુઝ
એક ઈન્ટરવ્યું દરમિયાન ટ્રેવિને કહ્યું હતું કે, 'અમે શાકિબના કૃત્યથી ખૂબ જ નિરાશ છીએ. બાંગ્લાદેશી કેપ્ટનમાં ખેલ ભાવના નથી અને તેણે જેન્ટલમેન્સ ગેમમાં માનવતા દેખાડી નથી. અમે તેમના કેપ્ટન અને બાકીની ટીમ પાસેથી ક્યારેય આ પ્રકારની અપેક્ષા રાખી ન હતી. શાકિબનું શ્રીલંકામાં સ્વાગત નહીં થાય. જો તે અહીં કોઈ ઈન્ટરનેશનલ કે LPL મેચ રમવા આવશે તો તેના પર પથ્થર ફેંકવામાં આવશે અથવા તો તેને ચાહકોના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે.'
મેચ બાદ બંને ટીમોના ખેલાડીઓએ હાથ પણ ન મિલાવ્યા
બાંગ્લાદેશ સામે શ્રીલંકાની ટીમ મેચ હારી ગઈ હતી. મેચ સમાપ્ત થયા બાદ બંને ટીમોના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ પણ મિલાવ્યા ન હતા. મૈથ્યુઝે ટાઈમ આઉટ થયા બાદ સોશ્યલ મીડિયા પર ઘણાં પૂરવા રજુ કર્યા હતા જેમાં તેણે અમ્પાયરને ખોટા ઠેરવ્યા હતા. મૈથ્યુઝનું કહેવું છે કે તે સમય રહેતા ક્રિઝ પર પહોંચી ગયો હતો અને જયારે તેણે હેલ્મેટ વિશે ખબર પડી ત્યારે પણ કેટલીક સેકેન્ડો બાકી હતી. હવે એન્જેલો મૈથ્યુઝના ભાઈના આ નિવેદને ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે.