એવું લાગતું હતુ કે 7 ફૂટનો પુરુષ મહિલાને મારતો હતો, બૉક્સિંગમાં સ્ત્રી પુરુષ વિવાદ પર કંગનાનું નિવેદન
Kangana Ranaut: પેરિસ ઓલિમ્પિક 2024માં અલ્જેરિયન બૉક્સર ઈમાન ખલીફાના મહિલા બૉક્સર એન્જેલા કારીની સામે વિજય બાદ વિવાદ થયો છે. તેણે મહિલા બૉક્સિંગમાં ગુરુવારે ઇટાલીની બૉક્સર એન્જેલા કારીનીને પરાજય આપ્યો હતો. આ મેચ માત્ર 46 સેકન્ડ જ ચાલી હતી અને નાક પર ઈજાના કારણે એન્જેલાએ મેચ છોડી દીધી હતી.
સોશિયલ મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે અલ્જેરિયન બૉક્સર ઈમાન ખલીફા પોતે બાયોલોજિક્લ પુરુષ હતી, જેમાંથી લિંગ પરિવર્તન કરાવીને તે સ્ત્રી બની હતી. પરંતુ આ દાવો પણ સંપૂર્ણ સાચો નથી એવી માહિતી પાછળથી બહાર આવી હતી. તેણી DSD નામના રોગનો શિકાર હોવાની માહિતી સામે આવી હતી. અગાઉ 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં લિંગને લગતી લાયકાત પૂરી નહીં કરી શકતાં તે બહાર થઈ ગઈ હતી પરંતુ આ વખતે ઓલિમ્પિકમાં તેને એન્ટ્રી મળી ગઈ હતી.
આ વિવાદમાં હવે અભિનેત્રી કંગના રનૌતે પણ ઝંપલાવ્યું છે અને તેણે કહ્યું હતું કે, 'આ છોકરીએ 7 ફૂટના કુદરતી રીતે પુરુષ તરીકે જન્મેલ વ્યક્તિ સામે લડવું પડ્યું. એવું લાગતું હતું કે જાણે 7 ફૂટનો પુરુષ મહિલાને મારતો હતો'
કંગનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, 'આ છોકરીને 7 ફૂટ ઊંચા કુદરતી રીતે પુરુષ તરીકે જન્મેલા ખેલાડી કે જેના તમામ અંગો પુરુષ જેવા જ છે, અને જે પુરુષની જેમ જ વર્તે છે તેની સામે લડવું પડ્યું. તે પોતાને મહિલા સમજે છે અને અહીં મહિલા બૉક્સિંગમાં કોણ જીત્યું? વોક કલ્ચર સૌથી વધારે અયોગ્ય અને ગેરવ્યાજબી છે. આ સ્ત્રી માટે બોલવું જોઈએ જેણે પોતાનો મેડલ અને કામ ગુમાવ્યું છે.