અંગદે આંતરરાષ્ટ્રીય સ્પ્રિન્ટિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ જીત્યો, પિતા બિશન સિંહ બેદીને સમર્પિત કર્યો મેડલ
ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ સ્પિનર બિશન સિંહ બેદીનું નિધન 23 ઓક્ટોબરે થયું હતું
Image:Instagram |
Angad Bedi Wins Gold Medal : બોલીવૂડ એક્ટર અંગદ બેદીએ તેના પિતા બિશન સિંહ બેદીના સમ્માનમાં દુબઈમાં આયોજિત ઓપન ઇન્ટરનેશનલ માસ્ટર્સ 2023 એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં 400 મીટર રેસમાં ભાગ લીધો હતો. આ રેસમાં તેણે ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. અંગદે ગોલ્ડ મેડલ જીતીને ઇન્ટરનેશનલ રમતમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અંગદના પરિવારની સાથે તેના ફેન્સ પણ તેના પર ગર્વ અનુભવી રહ્યા છે.
પિતાને સમર્પિત કર્યો પોતાનો ગોલ્ડ મેડલ
અંગદ બેદીએ 400 મીટર રેસમાં જીતેલો ગોલ્ડ મેડલ પોતાના પિતા બિશન સિંહ બેદીને સમર્પિત કર્યો હતો. તેણે પોતાના સોશ્યલ મીડયા હેંડલ પર પોસ્ટ કરી લખ્યું, 'આ જીત મારા પિતાને સમર્પિત છે. તે હંમેશા કહેતા હતા કે માથું નીચું રાખો અને તમારા કામથી લોકોને જવાબ આપો. હું હંમેશા તેમની આ વાતથી પ્રેરિત રહ્યો છું. મેં આ રેસ એટલા માટે કરી કારણ કે મને લાગે છે કે મારા પિતા આ ઈચ્છતા હશે. તેમને અને તેમના વારસાને સન્માનિત કરવાની આ મારી રીત છે.'
23 ઓક્ટોબરે થયું હતું બિશન સિંહ બેદીનું નિધન
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ સ્પિનર બિશન સિંહ બેદીનું મૃત્યુ 23 ઓક્ટોબરના રોજ થયું હતું. તેમણે 77 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું હતું. 1970ના દાયકામાં સ્પિન બોલિંગની પ્રખ્યાત ચોકડી (બેદી, પ્રસન્ના, ચંદ્રશેખર, રાઘવન)નો તે એક ભાગ હતા. તેમણે 22 ટેસ્ટ મેચોમાં ભારતની કેપ્ટનશિપ પણ કરી હતી. તેમણે 67 ટેસ્ટ મેચમાં 266 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત તેમણે ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં 1560 વિકેટ ઝડપી હતી.