બાપ કરતાં દીકરો સવાયો! ક્રિકેટર એન્ડ્રુ ફ્લિન્ટોફના દીકરાએ 16 વર્ષની ઉંમરે રચ્યો ઇતિહાસ
Rocky Flintoff In Under19 cricket: ઈંગ્લેન્ડ અને શ્રીલંકાની અંડર-19 ટીમો વચ્ચે હાલ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર એન્ડ્રુ ફ્લિન્ટોફ દીકરા રોકી ફ્લિન્ટોફે (Rocky Flintoff) પોતાની પ્રતિભાનો પરિચય આપતા તેનાં પિતાની ક્રિકેટ જગતમાં આબરૂને છાજે એવું કામ કરી બતાવ્યું છે.
એન્ડ્રુ ફ્લિન્ટોફના પુત્ર રોકીની સદી
ઈંગ્લેન્ડના ચેલ્ટનહેમમાં શ્રીલંકા વિરુદ્ધ બીજી યૂથ મેન્સ ટેસ્ટના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. આ મેચમાં રોકી ફ્લિન્ટોફે એક એવું કામ કરી બતાવ્યું હતું જે અંડર-19 ક્રિકેટમાં આજ સુધી કોઈ કરી શક્યું નથી. પોતાના પિતા એન્ડ્રુ ફ્લિન્ટોફની હાજરીમાં રોકી ફ્લિન્ટોફ ઈંગ્લેન્ડ માટે અંડર-19 ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી ઓછી ઉંમરનો ક્રિકેટર બન્યો હતો.
16 વર્ષના રોકી ફ્લિન્ટોફ 106 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ માટે તેણે 181 બોલ લીધા હતા. પોતાની ઇનિંગમાં તેણે 2 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા. જેક કાર્ની સાથે તેણે છઠ્ઠી વિકેટ માટે 78 રન જોડ્યા હતા. જેની મદદથી ઈંગ્લેન્ડની ટીમ 324 રન બનાવી શકી હતી.
કોણ છે રોકી ફલિન્ટોફ?
2007ના T20 વર્લ્ડકપને ક્રિકેટ પ્રેમીઓ ભૂલી નહીં શકે. આ ટુર્નામેન્ટમાં ભારત અને ઈંગ્લેન્ડની મેચ દરમિયાન યુવરાજ સિંહ એન્ડ્રુ ફ્લિન્ટોફના કારણે ઉશ્કેરાઈ ગયો હતો. આ ઉશ્કેરણીના કારણે બાદમાં સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં યુવરાજે 6 બોલમાં 6 છગ્ગા ફટકારી દીધા હતા. એન્ડ્રુ ફ્લિન્ટોફ ઈંગ્લેન્ડ માટે 227 મેચમાં 400 વિકેટ લીધી છે. ક્રિકેટના ત્રણ ફોરમેટમાં 7 હજાર રન બનાવ્યા છે.
ક્રિકેટ જગતમાં બાપ દીકરો બંને ક્રિકેટ રમ્યા હોય એવી ઘણી ઘટનાઓ અગાઉ પણ બની છે. 1983ની વર્લ્ડકપ વિજેતા ટીમના હીરો મોહિન્દર અમરનાથના પિતા લાલા અમરનાથ પણ સારા ક્રિકેટર રહી ચૂક્યા છે. એ જ ટીમના ઓપનર લિટલ માસ્ટર સુનિલ ગાવાસ્કરનો દીકરો રોહન ગાવસ્કર પણ ક્રિકેટ રમી ચૂક્યો છે. તો એ જ ટીમના ફાસ્ટ બોલર ક્રિકેટર રોજર બિન્નીનો દીકરો સ્ટુઅર્ટ બિન્ની પણ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર રહી ચૂક્યો છે અને 2011ની વર્લ્ડકપ વિજેતા ટીમનો હિસ્સો પણ રહી ચૂક્યો છે. આ સિવાય વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર શિવનારાયાણ ચંદ્રપોલનો મોટો દીકરો ટિંગેરિન ચંદ્રપોલ પણ ક્રિકેટર છે. ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડના પિતા ક્રિસ બ્રોડ ઈંગ્લેન્ડની ટીમમાં રમી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શોન માર્શ અને મિચેલ માર્શના પિતા પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રહી ચૂક્યા છે.