વિનોદ કાંબલીને છૂટાછેડા આપવાની હતી પત્ની એન્ડ્રીયા, પછી આ કારણે લીધો યુટર્ન
Image- 'X' |
Andrea Hewitt on Vinod Kambli : ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી હાલમાં તેની ખરાબ તબિયતને લઈને ચર્ચામાં છે. તેને ગયા વર્ષે ડિસેમ્બરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે તે સ્વસ્થ થઇ જતા 1 ડિસેમ્બરે તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી. હાલમાં તેની આર્થિક પરસ્થિતિ બિલકુલ સારી નથી. તબિયત ખરાબ હોવાથી તે બરાબર ચાલી પણ શકતો નથી.
વિનોદ કાંબલીએ બે લગ્ન કર્યા હતા
કાંબલીએ બે લગ્ન કર્યા છે. પહેલા લગ્ન સન 1998માં નોએલા લુઇસ સાથે કર્યા હતા. જે પુણેની હોટેલ બ્લૂ ડાયમંડમાં રિસેપ્શનિસ્ટ નોકરી કરતી હતી. પછી તેની સાથે કાંબલીએ છૂટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ તેણે મોડલ એન્ડ્રીયા હેવિટ સાથે લગ્ન કર્યા હતા. કાંબલીને દીકરો જીસસ ક્રીસ્ટીયાનો અને એક દીકરી છે. હવે પત્ની એન્ડ્રીયા એક ઈન્ટરવ્યૂમાં કાંબલી અને તેના લગ્નજીવનને લઈને ચર્ચા કરી હતી.
શું કહ્યું પત્ની એન્ડ્રીયાએ?
એન્ડ્રીયાને કાંબલીથી અલગ થવા પર સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે, 'એક વાર એવો વિચાર આવ્યો હતો. મેં ત્યારે તેને છોડી દીધો હતો, પરંતુ મારા મનમાં હંમેશા એક જ વિચાર આવતો હતો કે તેની તબિયત કેવી હશે, તેને કંઈ ખાધું હશે કે નહી? તે બેડ પર આરામથી સુઈ શકતો હશે કે નહી. પરંતુ જો હું તેને છોડી દઈશ તો તેનું ધ્યાન કોણ રાખશે? તેનું ધ્યાન રાખનાર કોઈ નહી રહે. હું જયારે પાછી આવી ત્યારે હું તેની હાલત જોઈને સમજી ગઈ હતી કે તેને મારી જરૂર છે.'
કાંબલીની ક્રિકેટ કારકિર્દી
પોતાની ક્રિકેટ કારકિર્દીની શરુઆત કાંબલીએ સન 1991માં વનડેમાં ડેબ્યૂ કરીને કરી હતી અને તેણે વર્ષ 2000માં છેલ્લી વનડે રમી હતી. વર્ષ 2009માં કાંબલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કઈ દીધું હતું. કાંબલીએ 17 ટેસ્ટ અને 104 વનડે મેચ રમી હતી. જેમાં તેણે 1084 રન બનાવ્યા હતા. જયારે વનડેમાં તેણે 2477 રન બનાવ્યા હતા. જેમાં 2 સદી અને 14 અડધી સદીનો સમાવેશ થાય છે.