KKRને 'મોંઘા' પડ્યા આ 3 ખેલાડી, 50 કરોડ રૂપિયા આપ્યા પણ મેદાન પર દેખાવ 'શૂન્ય'
IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી મેચમાં અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળની કેલકાતાએ પોતાના ઘર આંગણે વધુ એક શરમજનક હારનો સામનો પડ્યો હતો. પાછલી મેચમાં 112 રનનો નાનો ટાર્ગેટ પણ ચેઝ ન કરનારી કોલકાતા સામે આ મેચમાં 199 રનનો ટાર્ગેટ હતો. પરંતુ દિગ્ગજો અને મોટા-મોટા હિટરોથી સજેલી KKR ગુજરાતના બોલરો સામે તાશના પત્તાની જેમ વિખેરાઈ ગઈ.
KKRની ટીમ પર નજર કરીએ તો તેની પાસે સુનીલ નરેન, આન્દ્રે રસેલ, રિંકૂ સિંહ, વેંકટેશ અય્યર જેવા પાવર હિટરની ભરમાર છે. જેમની ક્ષમતાને ધ્યાનમાં રાખીને KKRએ તેમના પર મોટી રકમ ખર્ચ કરી છે. પરંતુ પ્રદર્શનના મામલે આ તમામ ખેલાડીઓ ફ્લોપ રહ્યા છે. ચાલો એ ત્રણ ખેલાડીઓ વિશે તમને જણાવીએ જેના પર કોલકાતાએ લગભગ 50 કરોડની મસમોટી રકમ ખર્ચ કરી છે. પરંતુ તેમનું પ્રદર્શન આ મેચમાં જ નહીં પરંતુ આખી સિઝનમાં 'શૂન્ય' રહ્યું છે.
રિંકૂ સિંહ
રિંકૂ સિંહ ગત સિઝનમાં એક ઓવરમાં 5 છગ્ગા ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. ત્યારથી તેનું કદ વધી ગયું હતું. પરંતુ અચાનક ખ્યાતિ મેળવનાર રિંકૂનું પ્રદર્શનમાં પણ અચાનક ઘટાડો થઈ ગયો. ગત સિઝનમાં પણ પ્રદર્શન સારું નહોતું રહ્યું. 2024માં રિંકૂએ 15 ઈનિંગમાં કુલ 168 રન જ બનાવ્યા હતા. આ સિઝનમાં પણ તે ટીમ પર બોજ બની રહ્યો છે. અત્યાર સુધી રમાયેલી 8 મેચમાં રિંકૂએ એક પણ ઈનિંગમાં સારું પ્રદર્શન નથી કર્યું. રિંકૂ કુલ 122 રન જ બનાવી શક્યો છે. આ મેચમાં પણ તે માત્ર 17 રન બનાવી શક્યો. છેલ્લી મેચમાં જ્યારે પંજાબ સામે હતું અને સ્કોર નાનો હતો, ત્યારે પણ રિંકુ 5 રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગયો હતો. જ્યારે કોલકાતાએ તેના પર 13 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.
આન્દ્રે રસેલ
આન્દ્રે રસેલ પણ 'નામ બડે ઔર દર્શન છોટે' કહેવતને સાચી સાબિત કરી રહ્યો છે. અત્યાર સુધી રમાયેલી 8 મેચમાં રસેલ સતત ફ્લોપ રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં માત્ર 55 રન જ બનાવ્યા છે. આ મેચમાં પણ તે માત્ર 21 રન બનાવી શક્યો હતો. બીજી તરફ પંજાબ સામેની મેચમાં માત્ર 17 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જ્યારે KKRએ તેના પર 12 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.
વેંકટેશ અય્યર
KKRએ સૌથી મોટો દાવ વેંકટેશ અય્યર પર ખેલ્યો હતો. 23.75 કરોડની મોટી રકમ સાથે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ 8 ઈનિંગમાં અય્યર માત્ર 135 રન જ બનાવી શક્યો છે. તેમાં પણ એક મેચમાં તેણે 60 રન બનાવ્યા હતા. એટલે કે બાકીની દરેક મેચમાં તે ફ્લોપ રહ્યો. આ મેચમાં પણ અય્યરે માત્ર 17 રન બનાવ્યા હતા. બીજી તરફ પંજાબ સામેની મેચમાં તેણે માત્ર 7 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: આઠ મેચોમાં 5 હાફ સેન્ચુરી, કુલ 417 રન: IPLમાં રન મશીન બન્યો ગુજરાત ટાઈટન્સનો આ ખેલાડી
આવી રહી મેચ
સોમવારે રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 39 રનથી કારમી હાર આપી હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં રમાઈ હતી. આ મેચમાં ટોસ જીતીને KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે ગિલના 90 અને સાઈ સુદર્શનની શાનદાર અડધી સદીના આધારે KKR માટે 199 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જવાબમાં KKRની ટીમ 8 વિકેટ ગુમાવીને માત્ર 158 રન જ બનાવી શકી હતી.