પૂર્વ IPL ક્રિકેટર પર પત્નીએ કર્યો કેસ, આડા સંબંધો અને દહેજ માંગતો હોવાનો આરોપ
Amit Mishra: IPLના પૂર્વ ક્રિકેટર અમિત મિશ્રા પર તેની પત્નીએ ઘરેલુ હિંસા અને દહેજ માટે પરેશાન કરતાં હોવાનો આરોપ લગાવ્યો છે. અમિતની પત્ની ગરિમાએ અમિત મિશ્રાની માતા બીના, પિતા શશિકાંત, ભાઈ અમર, ભાભી રીતુ તથા બહેન સ્વાતિ મિશ્રા વિરુદ્ધ પણ કેસ દાખલ કર્યો છે. કોર્ટના આદેશ પર તમામ આરોપીઓને નોટિસ આપવામાં આવી છે તથા આગામી 26 મેના રોજ આ મામલે સુનાવણી થશે.
ગરિમા તિવારીનો આરોપ છે કે સાસરિયાં પક્ષે 10 લાખ રૂપિયા રોકડા તથા એક હોન્ડા સિટી કારની માંગ કરી હતી. મૉડેલિંગથી થતી કમાણી અમિત છીનવી લેતો હતો અને ગાળાગાળી અને મારપીટ પણ કરતો. ગરિમાનો આરોપ છે કે અમિત સોશિયલ મીડિયા પર અન્ય મહિલાઓ સાથે વાતચીત પણ કરતો હતો અને તેના બીજી મહિલાઓ સાથે સંબંધ છે.
આ પણ વાંચો: KKR vs GT : હોમ ગ્રાઉન્ડ પર જ કોલકાતાની હાર, ગુજરાત ટાઇટન્સે 39 રનથી હરાવ્યું
આપઘાતના પ્રયાસનો દાવો
ગરિમાનો દાવો છે કે શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી તેણે આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો, જોકે હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળતા જીવ બચી ગયો. ગરિમાએ અમિત મિશ્રાથી એક કરોડ રૂપિયા વળતર તથા દર મહિને 50 હજાર રૂપિયા ભરણપોષણ ભથ્થાંની માંગ કરી છે.
અમિત મિશ્રા નામના બે ક્રિકેટર હોવાથી સોશિયલ મીડિયામાં ગફલત
નોંધનીય છે કે અમિત મિશ્રા પર થયેલા કેસની માહિતી આવતા જ ભારતના અન્ય એક ક્રિકેટરની તસવીર મોટા ભાગના મીડિયા અહેવાલોમાં વાઇરલ થઈ હતી. 42 વર્ષના અમિત મિશ્રાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી હતી તથા તેમના નામ અને તસવીરના દુરુપયોગ પર કાયદાકીય કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી.