હું શુભમનનો દુશ્મન નથી પણ ઋતુરાજ સારું રમે છે તો...: પૂર્વ ભારતીય ક્રિકેટરના નિવેદનથી વિવાદ
ભારતીય ક્રિકેટ ટીમ શુભમન ગિલની આગેવાનીમાં ઝિમ્બાબ્વેમાં શ્રેણી જીતીને આવી છે. પરંતુ હવે એક પૂર્વ ભારતીય ક્રિકેટરે શુભમન ગિલ કરતાં બીજો એક ક્રિકેટર વધારે સારો હોવાનું કહીને ઓપનર તરીકે તેનાં ટીમમાં સ્થાન પર જ સવાલ કરી દીધો છે.
ભારતીય ટીમ માટે ઓપનિંગ ભાગીદારી મોટો પ્રશ્ન
શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ઓપનર તરીકે ટીમમાં પોતાની જગ્યા મજબૂત બનાવી ચૂક્યા છે. પરંતુ તાજેતરમાં જ સદી ફટકારનાર તોફાની ડાબોડી બેટર ઓપનર અભિષેક શર્મા અને ઋતુરાજ ગાયકવાડને પણ ટીમમાં સામેલ કરવા પડે એવી શાનદાર બેટિંગ તેઓ કરી રહ્યા છે. હવે પૂર્વ ભારતીય ક્રિકેટર અમિત મિશ્રાએ ઓપનિંગ બેટર્સને લઈને એક ટિપ્પણી કરી છે જે શુભમન ગિલને કદાચ નહીં ગમે.
હું શુભમનનો દુશ્મન નથી
એક પૉડકાસ્ટ દરમિયાન અમિત મિશ્રાએ ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિને કહ્યું હતું કે, 'હું શુભમન ગિલનો દુશ્મન નથી. પરંતુ મારી દ્રષ્ટિએ કોઈ વ્યક્તિ સારું રમતો હોય, જેમ કે ઋતુરાજ સારું રમે છે અને તેણે મુશ્કેલ પરિસ્થિતિમાં સારી બેટિંગ કરી છે. તેની અંદર એક શાંતિ છે. તે એક કમ્પ્લીટ પ્લેયર છે. તેની ટેકનિક એવી છે કે તે T20, વન-ડે અને ટેસ્ટ ક્રિકેટમાં પણ રમી શકે છે.'
અમિત મિશ્રાએ કહ્યું છે કે અગાઉ શુભમન સારું રમતો હતો એટલા માટે તેને તક મળી અને હજુ મળી રહી છે. પણ હવે ઋતુરાજ સારું રમે છે તો તેને પણ ટીમની સાથે રાખવો જોઈએ અને તક મળવી જોઈએ.