ધોની ચાલુ મેચમાં જ કોઈ બીજાને કેપ્ટનશિપ સોંપી શકે છે: IPL પહેલા અંબાતી રાયડુનો દાવો
ધોનીએ IPLમાં 226 મેચોમાં CSKની કેપ્ટનશિપ કરી છે
Image : Twitter |
MS Dhoni : IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થવાની છે. આ સિઝનની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. લોકસભા ચૂંટણી પહેલા IPLના પ્રથમ તબક્કાનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે, જે 7 એપ્રિલ સુધી ચાલશે. ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ બીજા તબક્કાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. ચેન્નઈ સુપર કિંગ્સે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં 5 વખત IPL ટ્રોફી જીતી છે. ધોની 42 વર્ષનો છે. આવી સ્થિતિમાં, અટકળો લગાવવામાં આવી રહી છે કે આ તેની છેલ્લી સિઝન હોઈ શકે છે. હવે અંબાતી રાયડુએ ધોની માટે મોટી વાત કહી છે.
“હું ઈચ્છું છું કે ધોની જ કેપ્ટન રહે”
અંબાતી રાયડુએ કહ્યું કે, “ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ દ્વારા ધોની મિડલ ઓવર્સમાં કેપ્ટનશિપપ અન્ય કોઈને સોંપી શકે છે. આ વર્ષ CSK માટે બદલાવનું હોઈ શકે છે. જો આ તેનું છેલ્લું વર્ષ છે. જો તે હજુ થોડા વર્ષ રમશે તો તે કેપ્ટન રહેશે. હું ઈચ્છું છું કે ધોની જ કેપ્ટન રહે.” ધોનીએ તાજેતરમાં ફેસબુક પોસ્ટમાં સંકેત આપ્યો હતો કે તે આ વર્ષે IPLમાં નવી ભૂમિકા ભજવશે.
માહીની ગેરહાજરીમાં આ ખેલાડીઓએ સંભાળી CSKની કમાન
ધોની વર્ષ 2008થી ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે. તેની કેપ્ટનશિપમાં CSK ટીમ 5 વખત IPL ટ્રોફી જીતી ચૂકી છે. ધોનીની ગેરહાજરીમાં સુરેશ રૈના અને રવિન્દ્ર જાડેજાએ ઘણી વખત CSKની કમાન સંભાળી છે. જાડેજા વર્ષ 2022માં CSKનો કેપ્ટન બન્યો હતો. પરંતુ સતત હાર બાદ તેણે કેપ્ટનશિપ અધવચ્ચે જ છોડી દીધી અને પછી ધોની કેપ્ટન બન્યો હતો. ધોનીએ IPLમાં 226 મેચોમાં કેપ્ટનશિપ કરી છે, જેમાંથી તેણે 133માં જીત અને 91માં હારનો સામનો કરવો પડ્યો છે. જયારે 2 મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું.