પેરિસ ઓલિમ્પિક : રેસલર અમન સેહરાવતે જીત્યો બ્રોન્ઝ મેડલ, ભારતના ખાતામાં કુલ છ મેડલ
Aman Sehrawat : 57 kg કેટેગરીમાં ભારતના રેસલર અમન સહરાવતે રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પ્યુર્ટો રિકોના ડારિયન ક્રૂઝને 13-5થી ધોબી પછાડ આપી અમને દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે જ ભારતના ખેલાડીઓએ પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી કુલ છ મેડલ જીત્યા છે જેમાં એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સામેલ છે.
સેમિ ફાઇનલમાં હારી ગયો હતો અમન
નોંધનીય છે કે અમન સહરાવતે સેમિ ફાઇનલ મેચમાં જાપાનના રી હીગુચી સામે 0-10થી હારનો સામનો કરવો પડ્યો હતો. માત્ર બે મિનિટ 14 સેકન્ડમાં જ મુકાબલો સમાપ્ત થઈ ગયો હતો.
નીરજ ચોપરાએ જીત્યો સિલ્વર મેડલ
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. નીરજે બીજા રાઉન્ડમાં 89.45 મીટરનો થ્રો કર્યો હતો જે તમામ ખેલાડીઓમાં બીજો સૌથી શ્રેષ્ઠ થ્રો હતો. આટલું જ નહીં આ થ્રો નીરજનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ થ્રો રહ્યો છે.
હોકી ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
ભારત અને સ્પેન (IND vs SPA) વચ્ચે આજે Paris Olympics માં બ્રોન્ઝ મેડલ માટે મેચ રમાઈ હતી. જેમાં ભારતનો શાનદાર 2-1થી વિજય થયો હતો. આ ભવ્ય વિજય સાથે ભારતે 52 વર્ષ જૂના ઇતિહાસનું પુનરાવર્તન કરી પોતાના રેકોર્ડની બરાબરી કરી છે. 52 વર્ષ પહેલા ભારત હોકીમાં 1968 અને 1972માં સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીત્યું હતું. આ વખતે ફરીથી ભારત પાસે આ રેકોર્ડની બરાબરી કરવાની તક હતી. કારણ કે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારત બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. એ સમયે ભારતે બ્રિટનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે સ્પેનને હરાવી ભારત સતત બીજી વાર બ્રોન્ઝ મેડલ જીત્યું છે.