VIDEO : મેદાન પર જ કેપ્ટન સાથે બાખડી પડ્યો વિન્ડિઝ ખેલાડી, ગુસ્સામાં ગ્રાઉન્ડ છોડી જતો રહ્યો
Alzarri Joseph Leaves Field: બ્રિજટાઉનમાં રમાયેલી ત્રીજી ODI મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને આઠ વિકેટે હરાવીને સિરીઝ જીતી લીધી હતી. આ મેચમાં મેદાન પર અદભૂત ડ્રામા જોવા મળ્યો હતો. ઈંગ્લેન્ડની ઈનિંગની ચોથી ઓવર હતી જેમાં વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર અલઝારી જોસેફની કેપ્ટન શાઈ હોપ સાથે લડાઈ થઈ હતી. બંને વચ્ચેની દલીલ એટલી વધી ગઈ કે જોસેફ ગુસ્સામાં મેદાન છોડીને ચાલ્યો ગયો. આટલું જ નહીં વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 10 ખેલાડીઓ સાથે મેચ રમી હતી. જો કે, આ માત્ર થોડા સમય માટે જ બન્યું.
ઇંગ્લેન્ડે કરી હતી પહેલી બેટિંગ
વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ઈંગ્લેન્ડને પ્રથમ બેટિંગ કરવાનું કહ્યું હતું. જોસેફે મેથ્યુ ફોર્ડ સાથે બોલિંગમાં ઓપનિંગ કરીને ઈંગ્લેન્ડ પર દબાણ બનાવ્યું હતું. ફોર્ડે બીજી ઓવરના ત્રીજા બોલ પર વિલ જેક્સને પેવેલિયન મોકલી દીધો. આ સાથે ઈંગ્લેન્ડનો સ્કોર 9-1 થઈ ગયો હતો.
પોઈન્ટ પર ફિલ્ડરને ન રાખવાથી જોસેફ ગુસ્સે થયો
જ્યારે જોસેફ આગલી ઓવર નાખવા આવ્યો ત્યારે તેણે કેપ્ટન હોપ સાથે લાંબી વાતચીત કરી. અહીં બોલરે કેપ્ટનને સ્લિપ હટાવીને પોઈન્ટ તરફ ફિલ્ડર રાખવાનો ઈશારો કર્યો. પરંતુ, તેમની વાત ન માનવાથી જોસેફ ગુસ્સે થયો હતો.તેણે ત્રીજા બોલ પર જોર્ડન કોક્સને કેચ આઉટ કરાવ્યો.
થોડા સમય માટે 10 ફિલ્ડરો સાથે મેચ રમી
કોક્સને આઉટ કર્યા પછી પણ કેપ્ટન હોપ અને જોસેફ વચ્ચે બોલાચાલી ચાલુ રહી. ત્યારબાદ ફાસ્ટ બોલરે ગુસ્સામાં મેદાન છોડી દીધું હતું. તેના ગયા પછી, તે સમયે કોઈ ફિલ્ડર નહોતું, જેના કારણે વેસ્ટ ઈન્ડિઝે થોડા સમય માટે 10 ફિલ્ડરો સાથે મેચ રમી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: 400 વિકેટ અને 6000 રન બનાવી ભારતીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ, પહેલીવાર કોઈએ કર્યું આ કારનામું
કોચ પણ શાંત રહેવાનો ઈશારો કરતા હતા
વેસ્ટ ઈન્ડિઝના કોચ ડેરેન સેમીએ જોસેફને શાંત રહેવાનોઈશારો કર્યો હતો, પરંતુ ઓવર પૂરી કર્યા બાદ જોસેફ સીધો મેદાનની બહાર નીકળી ગયો અને ડ્રેસિંગ રૂમમાં બેઠો. જ્યારે આગામી ઓવર માટે જોસેફ આવ્યો ન હતો ત્યારે તેની જગ્યાએ હેડન વોલ્શ જુનિયર મેદાનમાં આવ્યો હતો. થોડી વાર પછી જોસેફ નીચે આવ્યો. આ પછી હોપે તેને બોલિંગ ડ્યુટીમાંથી હટાવી દીધો અને તેની જગ્યાએ રોમારીયો શેફર્ડને બોલિંગ કરવા કહ્યું હતું. આ ફેરફાર અસરકારક સાબિત થયો. શેફર્ડે ઈંગ્લેન્ડના બેટ્સમેન જેકબ બેથેલને તેના પહેલા બોલે જ આઉટ કર્યો હતો.