10 જ રનમાં ઓલઆઉટ, વિરોધી ટીમ 5 બોલમાં મેચ જીતી ગઇ, T20Iની વર્લ્ડ રેકોર્ડ બુક હચમચી
Image: Facebook
T20 World Cup Asia Qualifier: ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મોટા સ્કોર બનવા સામાન્ય વાત થઈ ગઈ છે પરંતુ એક ટીમે ઉલટી ગંગા વહાવવાનું કામ કર્યું છે. આ ટીમે મોટો સ્કોર બનાવવાના બદલે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટનો સૌથી ઓછો સ્કોર બનાવી દીધો છે. આ ટીમ મંગોલિયા છે જેણે સિંગાપોર વિરુદ્ધ એટલો ઓછો સ્કોર બનાવ્યો કે વર્લ્ડ રેકોર્ડની બરાબરી થઈ ગઈ. 5 સપ્ટેમ્બરે બંગીમાં રમાયેલી આ T20I મેચમાં મંગોલિયાની ટીમ પહેલા બેટિંગ કરતાં 10 ઓવરમાં લગભગ 10 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ રીતે ટીમના નામે T20I ક્રિકેટનો સૌથી ઓછો સ્કોર બનાવવાનો શરમજનક રેકોર્ડ નોંધાયો.
ડક પર આઉટ થવાની મચી હોડ
મંગોલિયા ટીમના 5 બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલી શક્યાં નહીં. અન્ય 6 બેટ્સમેનોએ કુલ મળીને 8 રન બનાવ્યા. 2 રન સિંગાપોરના બોલરે એક્સ્ટ્રા તરીકે મંગોલિયાને ભેટમાં આપ્યા. મંગોલિયા તરફથી કોઈ પણ બેટ્સમેન 2 થી વધુ રન બનાવી શક્યાં નથી. મંગોલિયાના 10 રનના જવાબમાં સિંગાપોરે લગભગ 5 બોલમાં 1 વિકેટ ગુમાવીને 11 રનનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું. આ પહેલા ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ 10 રન જ હતો. આ રેકોર્ડ ગયા વર્ષે આઈલ ઓફ મેન દેશની ટીમે સ્પેન વિરુદ્ધ બનાવ્યો હતો. હવે એક આ રેકોર્ડની બરાબરી થઈ ગઈ છે.
સિંગાપોરના બોલરે રચ્યો ઈતિહાસ
ICC પુરુષ ટી20 વર્લ્ડ કપ એશિયા ક્વોલિફાયર એ 2024ની આ મેચમાં હર્ષા ભારદ્વાજે સિંગાપોર તરફથી 3 રન ખર્ચ કરતાં 6 વિકેટ લીધી. આ રીતે 17 વર્ષા આ લેગ સ્પિનરે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બીજી બેસ્ટ બોલિંગ પ્રદર્શનનો રેકોર્ડ બનાવ્યો. બીજી તરફ મંગોલિયાએ સતત પોતાની ચોથી મેચમાં આકરી હાર વેઠવી પડી છે. આ ચારેય મેચોમાં મંગોલિયાનો સ્કોર ખૂબ ઓછો રહ્યો.
ટી20 ઈન્ટરનેશનલ મેચમાં કોઈ ટીમ દ્વારા બનાવવામાં આવ્યો સૌથી ઓછો સ્કોર
10- મંગોલિયા vs સિંગાપોર, બંગી, 2024
10- આઈલ ઓફ મેન vs સ્પેન, કાર્ટાજેના, 2023
12- મંગોલિયા vs જાપાન, સાનો, 2024
17- મંગોલિયા vs હોંગકોંગ, કુઆલાલંપુર, 2024
21- તુર્કી vs ચેક ગણરાજ્ય, ઈલફોવ કાઉન્ટી, 2019