IPLમાં દિવાળી ધમાકા! ધોની, રોહિત અને પંતના ભવિષ્યને લઈને થઈ જશે નિર્ણય, ફેન્સની આતુરતાનો આવશે અંત
IPL 2025, Retention Players List : આગામી IPL 2025 સીઝન પહેલા એક મેગા ઓક્શન નવેમ્બરમાં યોજાઈ શકે છે. પરંતુ આ પહેલા તમામ 10 ફ્રેન્ચાઇઝીઓએ તેમના રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી તૈયાર કરીને સબમિટ કરવી પડશે. તેની છેલ્લી તારીખ 31મી ઓક્ટોબર છે.
હાલમાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ રિટેન્શનને લઈને નવા નિયમો જારી કર્યા છે. તે અનુસાર એક ફ્રેન્ચાઇઝી વધુમાં વધુ 6 ખેલાડીઓને જ રિટેન કેઈ શકે છે. જો કોઈ ટીમ 6 કરતા ઓછા ખેલાડીઓને રિટેન કરે છે તો ફ્રેન્ચાઇઝને ઓક્શન દરમિયાન રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરવાની તક મળશે. રિટેન કરાયેલા ખેલાડીઓની સત્તાવાર યાદી જાહેર થાય તે પહેલા જ અટકળો શરૂ થઈ ગઈ છે. ચાલો જાણીએ કે તમામ 10 ફ્રેન્ચાઈઝી કયા ખેલાડીઓને જાળવી શકે છે...
આ 4 ખેલાડીઓને રિટેન કરશે મુંબઈ ઈન્ડિયન્સ
IPLમાં 5 વખત ચેમ્પિયન રહી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા, ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહને રિટેન કરી શકે છે. તેની શક્યતા ઘણી વધારે છે. આ સિવાય વિકેટકીપર અને બેટર ઈશાન કિશન અને તિલક વર્મા માટે રાઈટ ટુ મેચનો ઉપયોગ કરી શકે છે.
શું ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમશે?
ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) પણ 5 વખત IPLનો ખિતાબ જીતી ચૂકી છે. આ ટીમ સ્ટાર ખેલાડીઓથી ભરેલી છે. આ સ્થિતિમાં CSK કેપ્ટન રુતુરાજ ગાયકવાડ, પૂર્વ કેપ્ટન ધોની, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, મથીશા પથિરાના અને રચિન રવિન્દ્રને રિટેન કરી શકે છે. BCCIના નવા નિયમો અનુસાર, જે ખેલાડીએ 5 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું નથી તેને અનકેપ્ડ ગણવામાં આવશે. આ સ્થિતિમાં ધોની એક અનકેપ્ડ ખેલાડી તરીકે ટીમમાં સામેલ થઇ શકે છે. જો કે, ધોનીએ હજુ સુધી સ્પષ્ટતા કરી નથી.
કોલકાતા નાઈટ રાઈડર્સ કેપ્ટનને રિલીઝ કરી શકે
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) 3 વખત ચેમ્પિયન રહી ચુકી છે. આ વખતે સૌથી મોટી વાત એ સામે આવી છે કે KKR ટીમ તેના કેપ્ટન શ્રેયસ અય્યરને રિલીઝ કરી શકે છે. જ્યારે KKRની આ ટીમ આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, રિંકુ સિંહ અને મિચેલ સ્ટાર્કને રિટેન કરી શકે છે. જ્યારે હર્ષિત રાણાને અનકેપ્ડ ખેલાડી તરીકે રાખવામાં આવી શકે છે.
ક્લાસેન અને કમિન્સને રિટેન કરી શકે હૈદરાબાદ
આ વખતે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) કેપ્ટન પેટ કમિન્સ, હેનરિક ક્લાસેન અને અભિષેક શર્માને રિટેન કરી શકે છે. ક્લાસેનને 23 કરોડ રૂપિયા, કમિન્સને 28 કરોડ રૂપિયા અને અભિષેકને 14 કરોડ રૂપિયા આપવામાં આવી શકે છે. જ્યારે ટ્રેવિસ હેડ અને નીતિશ કુમાર રેડ્ડી માટે રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે.
સંપૂર્ણપણે નવી ટીમ બનાવશે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) ફ્રેન્ચાઇઝી આ વખતે સંપૂર્ણપણે નવી ટીમ બનાવવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધી એક પણ ખિતાબ જીતવામાં નિષ્ફળ રહેલી આ ટીમ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ અને ગ્લેન મેક્સવેલને રિટેન કરી શકે છે. કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ, કેમરન ગ્રીન, ટોમ કુરન, રજત પાટીદાર અને યશ દયાલ સહિત ટીમના બાકીના સભ્યોને રિલીઝ કરવામાં આવી શકે છે.
રાજસ્થાન ફ્રેન્ચાઈઝી માટે મુંઝવણ
રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝીને આ વખતે રિટેન યાદી તૈયાર કરવામાં ઘણો સંઘર્ષ કરવો પડી શકે છે. ફ્રેન્ચાઇઝીને કેપ્ટન સંજુ સેમસન, જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ અને રેયાન પરાગને રિટેન રાખવામાં આવી શકે છે. યુઝવેન્દ્ર ચહલની સાથે, જુરેલ અથવા પરાગ, રાઈટ ટુ મેચ દ્વારા પાછા ખેંચી શકાય છે. અવેશ ખાન, શિમરોન હેટમાયર, ટ્રેન્ટ બોલ્ટ અને રોવમેન પોવેલને રિલીઝ કરી શકાય છે.
ગુજરાત ફ્રેન્ચાઈઝી શમી-ગિલને રિટેન કરશે
ગુજરાત ટાઇટન્સ પોતાના કેપ્ટન શુભમન ગિલ, રાશિદ ખાન અને મોહમ્મદ શમીને રિટેન કરી શકે છે. ગુજરાતની ટીમે તેનું પહેલું ટાઇટલ 2022ની IPL સીઝનમાં જીત્યું હતું. ઉમેશ યાદવ, કેન વિલિયમસન, રિદ્ધિમાન સાહા, નૂર મોહમ્મદ અને ડેવિડ મિલરને રિલીઝ કરી શકાય છે. જ્યારે સાઈ સુદર્શન અને રાહુલ તેવટિયા માટે રાઈટ ટુ મેચ લઈ શકાય છે.
રિષભ પંત ફરીથી દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે છે
દિલ્હી કેપિટલ્સ ટીમના ત્રણ સ્ટાર ખેલાડીઓ રિષભ પંત, કુલદીપ યાદવ અને અક્ષર પટેલને રિટેન કરી શકે છે. ઓસ્ટ્રેલિયાના યુવા બેટર જેક-ફ્રેઝર મેકગર્કને પણ દિલ્હી રિટેન યાદીમાં વિદેશી ખેલાડીઓમાં સામેલ થઈ શકે છે.
લખનૌ કે.એલ રાહુલને રિલીઝ કરશે
લખનૌ સુપર જાયન્ટ્સ પણ તેના કેપ્ટન કેએલ રાહુલને રિલીઝ કરી શકે છે. અને તેની જગ્યાએ ફ્રેન્ચાઈઝી નિકોલસ પૂરનને કેપ્ટન બનાવી શકે છે. નિકોલસ પુરન સિવાય ફ્રેન્ચાઇઝી રવિ બિશ્નોઈ અને મયંક યાદવને રિટેન કરી શકે છે. જ્યારે વાઇસ-કેપ્ટન કૃણાલ પંડ્યા અને આયુષ બદોની પણ રિટેન રાખી શકાય છે.
પંજાબ કિંગ્સ આ ખેલાડીઓને રિટેન કરશે
કેપ્ટન શિખર ધવન પણ પંજાબ કિંગ્સ ટીમમાંથી બહાર થઈ શકે છે. જ્યારે ઝડપી બોલર અર્શદીપ સિંહને ફ્રેન્ચાઈઝી રિટેન કરી શકે છે. આ સિવાય શશાંક સિંહ અને આશુતોષ શર્મા જ એવા નામ છે જેને રિટેન કરી શકાય છે. સેમ કરન, હર્ષલ પટેલ, જોની બેયરસ્ટો, ક્રિસ વોક્સ, સિકંદર રઝા, જીતેશ શર્મા, કગીસો રબાડા, લિયામ લિવિંગસ્ટન જેવા નામો જાહેર થઈ શકે છે.