'જેન્ડર' વિવાદ વચ્ચે અલ્જિરિયાની મહિલા બોક્સર ઈમાન ખેલિફે પેરિસ ઓલિમ્પિકમાં જીત્યો ગોલ્ડ મેડલ
Imane Khelif Gold Medal: શુક્રવારે અલ્જેરિયાની મહિલા બોક્સર ઈમાને ખેલિફે પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીત્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં ઈમાન ખેલિફે 66 કિગ્રા વજનની કેટગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો કે આ મહિલા બોક્સર 'જેન્ડર' વિવાદ કારણે ઘણી ચર્ચામાં રહી હતી. ઈમાન પર શારીરિક રીતે પુરુષ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ બોક્સરે ચીનની યાંગ લિયુને ફાઈનલમાં હરાવી હતી.
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીએ આપી મંજૂરી
જો કે, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીનું માનવું હતું કે ઈમાન ઓલમ્પિકના ધોરણો પૂરા કરે છે. આથી જ તેને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ છતાં અલગ-અલગ મેચોમાં ભાગ લેનાર વિવિધ દેશોની મહિલા બોક્સરોએ ઈમાન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો: વિનેશ ફોગાટે CAS સામે પેરિસ ઓલિમ્પિકની પોલ ખોલી, વજન વધી જવાનું કારણ પણ જણાવ્યું
તમામ મેચો એકતરફી જીતી
ઈમાન ખેલિફે ઈટાલીની બોક્સર એન્જેલા કેરિની સામે 16મા રાઉન્ડની મેચ રમી હતી. જેમાં ફક્ત બે મુક્કા અને ગેમ ખતમ! ઈમાનના મુક્કા એટલા પાવરફૂલ હતા કે ફક્ત 46 સેકન્ડમાં જ એન્જેલાએ ગેમ ચૂડી દેવી પડી હતી.
ક્વાર્ટર ફાઈનલમાં ઈમાન ખેલિફનો મુકાબલો હંગેરીની લુકા અન્ના હમારી સામે થયો હતો. આ મેચમાં ઈમાન ખેલિફે 5-0થી જીત મેળવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. ત્યાર બાદ સેમિફાઈનલમાં અલ્જેરિયાની બોક્સરે થાઈલેન્ડની જાનજેમ સુવાન્નાફેંગને 5-0થી હરાવી હતી.
ફાઇનલમાં પણ એકતરફી જીત
સેમીફાઈનલમાં શાનદાર જીત નોંધાવનાર ઈમાન ખેલિફે ફાઈનલમાં પણ એકતરફી જીત મેળવી હતી. ગોલ્ડ મેડલ માટે રમાયેલી ફાઇનલમાં ઇમાને ચીનની યાંગ લિયુને 5-0થી હરાવી હતી. આ રીતે તેણે વિવાદો વચ્ચે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો.
આ પણ વાંચો: અમન સહરાવતનું વજન પણ 4.6 કિલો વધી ગયું હતું, 10 કલાકની આકરી મહેનતે અપાવ્યો છઠ્ઠો મેડલ
વિવાદ શું હતો?
બોક્સિંગમાં જીતનાર ખેલાડી ઈમાન અને લિન મહિલા નહીં પણ પુરુષ હોવાનો વિવાદ ચગ્યો છે. ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન(IBA)એ વર્ષ 2023માં ઈમાન ખેલિફ અને લિન યુ-ટીંગને લિંગ પરીક્ષણમાં નિષ્ફળ જવા બદલ બોક્સિંગમાં ભાગ લેતી અટકાવી હતી. છતાં બંનેને પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવાની મંજૂરી મળી ગઈ. કઈ રીતે? બોક્સિંગ એસોસિએશને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (ICO) પર આ બાબતે પ્રશ્નો ઉઠાવ્યા છે.
જો કે ઈમાન ટ્રાન્સજેન્ડર છે, એવું અવારનવાર કહેવાતું રહ્યું છે. સ્ત્રીના અંગ લઈને જન્મેલી હોવાથી જન્મના પ્રમાણપત્ર પર તો એ સ્ત્રી છે એવું જ લખાયેલું છે. પણ એ 'ડિફરન્સ ઑફ સેક્સ ડેવલપમેન્ટ' (ડીએસડી) નામની સમસ્યા સાથે જન્મી હતી. આ એક એવી સ્થિતિ છે જેમાં સ્ત્રી-શરીરમાં પુરૂષ હોર્મોન 'ટેસ્ટોસ્ટેરોન'નું સ્તર ખૂબ ઊંચું થઈ જાય છે અને પુરુષના શરીરમાં હોય એવા રંગસૂત્રો XY પણ સ્ત્રી-શરીરમાં હોય છે. પુરૂષ હોર્મોન્સ અને રંગસૂત્ર ધરાવતી સ્ત્રી અન્ય સ્ત્રીઓ કરતાં વધુ શક્તિશાળી હોય છે. અગાઉ આ સમસ્યાને 'ઇન્ટરસેક્સ' કહેવાતું, હવે ડીએસડી કહેવાય છે.