ભગવાને મારા માટે અલગ વિચાર્યું હતું, વર્લ્ડકપ જીતનાર ટીમમાં રમાડવો હતો: અક્ષર પટેલ

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
akshar patel


અક્ષર પટેલ T20 વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમનો એક મહત્વનો સભ્ય રહ્યો હતો. ફાઇનલ મેચમાં ભારતનો ટોપ ઓર્ડર ધ્વસ્ત થઈ ગયો ત્યારે અક્ષર પટેલને ઉપરના ક્રમે બેટિંગમાં મોકલવાનો કેપ્ટનનો ઉપાય કામ કરી ગયો હતો. અક્ષરે ફટાફટ સારી બેટિંગ કરી બતાવી હતી અને આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ પણ સારો રહ્યો હતો.

તાજેતરમાં તેણે એક સ્પોર્ટ્સ ન્યૂઝ વેબસાઇટને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેણે વર્લ્ડકપ અને પોતાના અંગત નિર્ણયો અંગે ખૂલીને વાતચીત કરી હતી. 

જ્યારે જે ચાલે તેનો હું ઓલરાઉન્ડર

અક્ષરને એક સ્પિન ઓલરાઉન્ડર તરીકે ક્રિકેટ જગતમાં જોવામાં આવે છે. જે લોઅર ઓર્ડરમાં સારી બેટિંગ પણ કરી શકે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં તેણે બેટિંગમાં ભારતીય ટીમ માટે કરેલ યોગદાન બદલ ક્રિકેટ ફેન્સ તેનાં વધારે વખાણ કરતા જોવા મળે છે. ડાબોડી હોવાના નાતે ઓર્થોડોક્સ સ્પિન બોલર તરીકે અને બેટર તરીકે તેની મહત્તા ટીમમાં વધી જાય છે. ઓલરાઉન્ડરના સ્થાન અંગે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે, 'હું જે દિવસે જે ચાલી જાય તે ઓલરાઉન્ડર બની જાઉ છું'. એટલે કે જ્યારે તેની બેટિંગ ચાલી જાય ત્યારે તે બેટિંગ ઓલરાઉન્ડર અને બોલિંગ ચાલી જાય ત્યારે તે બોલિંગ ઓલરાઉન્ડર બની જાય છે. 

ભગવાને મારા માટે અલગ વિચાર્યું હતું: અક્ષર

વર્લ્ડકપ 2023માં ઇજાના કારણે અક્ષર રમી શક્યો નહોતો અને તેનાં સ્થાને રવિચંદ્રન અશ્વિનને છેલ્લી ઘડીએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે આ ટીમમાં રમીને અમે t20 વર્લ્ડકપ જીત્યા ત્યારે મને સમજાયું કે ભગવાનનો મારા માટે અલગ પ્લાન હતો. તેઓ મને વર્લ્ડકપ વિજેતા ટીમમાં રમાડવા માંગતા હતા.



Google NewsGoogle News