હૈદરાબાદે ઓક્શન પહેલા જે ખેલાડીને બહાર કર્યો તેણે ક્રિકેટ જગતને હચમચાવી દીધું
ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સની ટીમ અબુ ધાબી T10 લીગની ફાઈનલમાં પહોંચી ગઈ છે
રહેમાનુલ્લા ગુરબાઝે 28 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા
Image:Twitter |
Akeal Hosein Hattrick in T10 League : સનરાઈજર્સ હૈદરાબાદે IPL 2024ના ઓક્શન પહેલા જ એક મોટી ભૂલ કરી દીધી છે. હૈદરાબાદે એવા ખેલાડીને રિલીઝ કરી દીધો છે જેણે અબુ ધાબી T10 લીગના ક્વાલિફાયરમાં એક હેટ્રિક સાથે કુલ પાંચ વિકેટ લીધી છે. આ ખેલાડીનું નામ અકીલ હુસેન છે. તેણે પોતાની ઘાતક બોલિંગના દમ પર પોતાની ટીમને ફાઈનલમાં પહોંચાડી છે.
રહેમાનુલ્લા ગુરબાઝની શાનદાર ફિફ્ટી
અબુ ધાબી T10 લીગના ક્વોલિફાયર-1માં ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સ અને સેમ્પ આર્મીની ટીમ સામસામે હતી. સેમ્પ આર્મીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગનો નિર્ણય કર્યો હતો. ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સ તરફથી રહેમાનુલ્લા ગુરબાઝે 28 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 56 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ગુરબાઝની શાનદાર ઇનિંગના કારણે ટીમ 10 ઓવરમાં 5 વિકેટના નુકસાને 121 રન બનાવી શકી હતી.
અકીલે પલટી બાજી
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સેમ્પ આર્મીની ટીમ 9 વિકેટ ગુમાવીને 90 રન જ બનાવી શકી હતી. ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સ તરફથી અકીલ હુસેને ઘાતક બોલિંગ કરી હતી. અકીલે 2 ઓવરમાં આખી બાજી પલટી નાખી હતી. અકીલે તેની પહેલી ઓવરની ત્રીજી બોલ પર એન્ડ્ર્યુ ગસ (0), ચોથા બોલ પર ડેવાલ્ડ બ્રેવિસ (0) અને પાંચમાં બોલ પર ઈબ્રાહીમ ઝાદરાન (0)ને પવેલિયન ભેગો કર્યો હતો. ફરી બીજી ઓવરમાં તેણે 2 વિકેટ ઝડપી હતી.
માત્ર એક મેચ રમવાનો મોકો મળ્યો
IPL 2023માં અકીલ હુસેનને માત્ર એક મેચ રમવાનો મોકો મળ્યો હતો. આ મેચમાં હુસેને 1 વિકેટ મેળવી હતી અને અણનમ 16 રન બનાવ્યા હતા. 30 વર્ષીય અકીલે અત્યાર સુધી કુલ 38 વનડે અને 39 T20 મેચ રમી છે. જેમાં તેણે અનુક્રમે 57 અને 31 વિકેટ પોતાના નામે કરી છે.