રાંચી ટેસ્ટમાં ફાસ્ટ બોલરનું ડેબ્યૂ, કોચ રાહુલ દ્રવિડે કેપ સોંપી, ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ લીધી
ભારતીય ટીમ સીરિઝમાં 2-1થી આગળ
બુમરાહને રાંચી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો
IND vs Eng 4th Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરિઝની ચોથી મેચ આજથી રાંચી (Ranchi)માં શરૂ થઈ છે, જેમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ ટેસ્ટમાં ભારત તરફથી આકાશ દીપે (Akash Deep) ટેસ્ટ ડેબ્યુ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ સીરિઝમાં 2-1થી આગળ છે.
બુમરાહને રાંચી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો
રાંચી ટેસ્ટમાં આકાશ દીપે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. આ સાથે જ તે ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમનાર 313મો ખેલાડી બન્યો છે. આકાશ દીપને ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ડેબ્યૂ ટેસ્ટ કેપ આપી હતી. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) આજની મેચમાં ન હોવાથી આકાશ દીપને પ્લેઈંગ-11માં ડેબ્યૂ કરવાની તક મળી છે. બુમરાહને રાંચી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં અગાઉ સરફરાઝ ખાન (Sarfaraz Khan) અને ધ્રુવ જુરેલે (Dhruva Jurel) રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારત માટે ડેબ્યુ કર્યું હતું. હવે રાંચી ટેસ્ટમાં આકાશ દીપનું નસીબ ખુલ્યું છે.
રાંચીમાં ભારતનો રેકોર્ડ શાનદાર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની સીરિઝમાં ભારતીય ટીમ 2-1થી આગળ છે. આ મેચ જીતીને ભારતીય ટીમ 3-1થી સીરિઝ જીતવા માંગશે. રાંચીના જેએસસીએ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં ભારતીય ટીમનો અત્યાર સુધીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ટીમે અહીં અત્યાર સુધી બે ટેસ્ટ મેચ રમી છે, જેમાં ભારતે એક મેચ જીતી છે અને બીજી મેચ ડ્રો રહી છે. હૈદરાબાદમાં રમાયેલી સીરિઝની પ્રથમ ટેસ્ટમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો, જો કે ત્યારબાદ ભારતે વિશાખાપટ્ટનમ અને રાજકોટમાં ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.
આ પણ વાંચો : રાંચી ભારતનો અભેદ્ય કિલ્લો, રોહિત-જાડેજાનો છે શાનદાર રેકોર્ડ