2 અનુભવી બેટ્સમેનનું કરિયર પૂર્ણ! સૂર્યાને પણ વૉર્નિંગ, BCCIએ આપ્યા ભવિષ્યના સંકેત
સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે BCCIએ ત્રણેય ફોર્મેટ માટે ટીમની જાહેરાત કરી
ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં 3 T20, 3 ODI અને 2 મેચની ટેસ્ટ સીરિઝ રમશે
Pujara-Rahane dropped from Team : ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા બાદ સાઉથ આફ્રિકાના પ્રવાસે જનાર છે ત્યારે BCCIએ સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે જેમાં ટેસ્ટ ટીમમાંથી અનુભવી બેટર પૂજારા અને રહાણેની બાદબાકી કરવામાં આવી છે. બંને ખેલાડીઓ ટીમમાંથી ડ્રોપ થતાં હવે તેના કેરિયર પર પૂર્ણવિરામ લાગી શકે છે. આ ઉપરાંત સૂર્યાને પણ વોર્નિંગ આપવામાં આવી છે.
પૂજારા-રહાણેને ડ્રોપ કરાયા
ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં 3 T20, 3 ODI અને 2 મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે જે માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ત્રણેય ફોર્મેટ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. BCCIએ આ પ્રવાસમાં ત્રણેય ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટનની પસંદગી કરી છે જેમાં કેએલ રાહુલ ત્રણ મેચની વનડે શ્રેણીમાં ટીમની કમાન સંભાળશે જ્યારે રોહિત શર્માને ટેસ્ટમાં અને સૂર્યકુમાર યાદવને T-20 સિરીઝમાં કેપ્ટનશિપની જવાબદારી મળી છે. આ પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાંથી બે અનુભવી બેટર ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને ડ્રોપ કરવામાં આવ્યા છે ત્યારે લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
બંનેને વધુ તક મળવી મુશ્કેલ
અજિંક્ય રહાણે લગભગ દોઢ વર્ષ સુધી બહાર રહ્યા બાદ તેણે આ વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી. જો કે તેના સાધારણ પ્રદર્શનના કારણે ફરી તેને ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચેતેશ્વર પૂજારાએ પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમી હતી. રહાણેની જેમ પૂજારાનું પ્રદર્શન પણ એવરેજ રહેતા ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં એવું લાગે છે કે પસંદગીકારોએ બંને ખેલાડી પરનો વિશ્વાસ ગુમાવ્યો છે અને તેમને વધુ તક મળવી મુશ્કેલ છે. હવે બોર્ડ પણ અન્ય વિકલ્પ શોધી રહ્યું છે.
બંને ખેલાડીનું ટેસ્ટ કરિયર
ચેતેશ્વર પૂજારાએ અત્યાર સુધી 103 ટેસ્ટ મેચમાં 43.60ની એવરેજથી 7195 રન બનાવ્યા છે જેમાં તેણે 19 સદી અને 35 ફિફ્ટી ફટકારી છે. પુજારાનો ટેસ્ટ ક્રિકેટમાં હાઈએસ્ટ સ્કોર અણનમ 206 રન છે, જે તેણે ઈંગ્લેન્ડ સામે બનાવ્યો હતો. આ સિવાય રહાણેએ ભારત માટે કુલ 85 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 5077 રન બનાવ્યા છે અને તેની એવરેજ 38.46 છે. રહાણેના નામે ટેસ્ટમાં 12 સદી અને 26 ફિફ્ટી છે.
સૂર્યકુમારને પણ વૉર્નિંગ
સાઉથ આફ્રિકા સામેની T-20 સીરિઝ માટે ભલે સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ મળી હોય પણ તેને વનડે ટીમમાં જગ્યા મળી નથી. મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ઘણા રન બનાવે છે, પરંતુ વનડે ક્રિકેટમાં તેનું બેટ શાંત રહે છે. અત્યાર સુધી સૂર્યાએ 37 વનડે મેચોની 35 ઇનિંગ્સમાં 25.76ની સાધારણ એવરેજથી 773 રન બનાવ્યા છે. સૂર્યાએ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ ફાઇનલમાં 28 બોલમાં 18 રન બનાવ્યા હતા. આ ખરાબ પ્રદર્શનને કારણે BCCIએ સૂર્યાને વૉર્નિંગ આપતા વનડે ટીમમાં પસંદગી કરી નથી.