... તે દિવસે અફઘાનિસ્તાન મોટી ટીમ બની જશે: અજય જાડેજાની 'ભવિષ્યવાણી' જબરદસ્ત વાયરલ
Ajay Jadeja On Afghanistan Team: T20 વર્લ્ડકપ-2024માં અફઘાનિસ્તાને ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો અપસેટ સર્જતા ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવ્યું હતું. અફઘાનિસ્તાનની જીત બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. અજય 2023ના વર્લ્ડકપ દરમિયાન અફઘાનિસ્તાન ટીમના માર્ગદર્શક હતા. વીડિયોમાં અજય અફઘાનિસ્તાન ટીમ વિશે કહેતા જોવા મળે છે કે, 'જે દિવસે પછાડી દઈશું, તે દિવસે અફઘાનિસ્તાન મોટી ટીમ બની જશે.'
જયારે અફઘાનિસ્તાન સેમિ ફાઈનલમાં ન પહોંચી શક્યું
7 નવેમ્બર 2023ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડકપ 2023ની મેચ યોજાઈ હતી. અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરી 291 કર્યા હતા. બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરતા અફઘાનિસ્તાનના બોલરોએ માત્ર 91 રનમાં ઓસ્ટ્રેલિયાની 7 વિકેટ ઝડપી હતી. તેમ છતાં અફઘાનિસ્તાનની ટીમ મેચ હારી ગઈ હતી. અને તેમનું સેમિ ફાઈનલમાં પહોંચવાનું સપનું ઓસ્ટ્રેલિયાએ ખતમ કરી દીધું હતું.
'જે દિવસે પછાડી દઈશું, તે દિવસે અફઘાનિસ્તાન મોટી ટીમ બની જશે'
23 જૂને T20 વર્લ્ડકપ-2024માં અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. મેચ બાદ અજય જાડેજા એક વીડીઓમાં કહી રહ્યા છે કે, અફઘાનિસ્તાનની ટીમે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું તેને વધુ સમય થયો નથી. બાકી બીજી ટીમો 100-150 વર્ષથી ક્રિકેટ રમે છે. પરંતુ આ ટીમ હજુ 20 વર્ષની પણ નથી થઈ. ટીમ ઘણી વખત ટૂર્નામેન્ટમાં નજીક આવીને બહાર થઈ જાય છે. 2019ના વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન બંને અફઘાનિસ્તાનથી અપસેટ થતા બચ્યા હતા. જયારે અજય જાડેજાને પૂછવામાં આવ્યું કે, અફઘાનિસ્તાન મોટી ટીમ સામે નથી જીતી શકતું. અજયે આ સવાલની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'એટલા માટે તમે આજે કહી રહ્યા છો કે અફઘાનિસ્તાનની ટીમ નાની ટીમ છે, જે દિવસે પછાડી દઈશું. તે દિવસે અફઘાનિસ્તાન મોટી ટીમ બની જશે'. અજયે આગળ જણાવ્યું હતું કે,' અફઘાનિસ્તાન ટીમના ખેલાડીઓ પોતાનામાં વિશ્વાસ રાખે છે. આઈપીએલની હરાજી દર્શાવે છે કે ટીમના ખેલાડીઓ કેટલું સારું પ્રદર્શન કરી રહ્યા છે'.
સુપર-8ના મેચમાં શું થયું હતું?
23 જૂને સુપર-8 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાન ટીમના ઓપનરોએ શાનદાર શરૂઆત કરી હતી. ગુરબાઝે 49 બોલમાં 60 રન બનાવ્યા હતા. ઈબ્રાહિમ જારદાને 48 બોલમાં 51 રનની ઈનિંગ રમી હતી. બંને વચ્ચે 118 રનની ભાગીદારી થઈ હતી. પરંતુ આ પછી ટીમનો કોઈપણ ખેલાડી 13 રનથી વધુ રન કરી શક્યો ન હતો. અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટે 148 રન કરી શકી હતી. 149 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 127 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ગ્લેન મેક્સવેલ સિવાય અન્ય કોઈ બેટર ટકી શક્યો ન હતો. મેક્સવેલે 41 બોલમાં 59 રન કર્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ગુલાબદિન નાયબે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.