'ભારતીય ક્રિકેટની સમસ્યા એ છે કે...', ટીમ ઈન્ડિયામાંથી આ ખેલાડીની બાદબાકી પર જાડેજા થયો ગુસ્સે
ગિલની ગેરહાજરીમાં ઇશાનને વર્લ્ડકપની 2 મેચ રમવાની તક મળી હતી
ઇશાન કિશને ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ 2 મેચમાં ફિફ્ટી ફટકારી હતી
Image:Twitter |
Ajay Jadeja Slams Indian Team Management : ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી 5 મેચોની T20I સિરીઝમાં માત્ર 3 મેચમાં જ રમવાનો મોકો મળ્યો હતો. ઇશાન ODI World Cup 2023માં પણ ભારતીય ટીમનો ભાગ હતો. પરંતુ તેણે માત્ર 2 મેચમાં જ રમવાની તક મળી હતી. આ 2 મેચોમાં શુભમન ગિલની ગેરહાજરીના કારણે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અજય જાડેજાએ ઇશાન કિશનને પ્લેઇંગ ઈલેવનમાં સતત તક ન આપતા ભારતીય ટીમ મેનેજમેન્ટ પર નિશાન સાધતા કહ્યું કે અહિયાં સિલેકશન નહીં પરંતુ રિજેકશન થાય છે.
અજય જાડેજાએ ભારતીય ટીમ મેનેજમેન્ટ પર સાધ્યો નિશાન
અજય જાડેજાએ વાતચીત દરમિયાન કહ્યું હતું કે, 'ODI World Cup 2023 સમાપ્ત થયા પછી જ એક સિરીઝ રમાઈ હતી. ઇશાન કિશન માત્ર 3 મેચ રમ્યો અને ઘરે ચાલી ગયો. તે ત્રણ મેચ પછી એટલો થાકી ગયો હતો કે તેને આરામની જરૂર હતી ? તે વિશ્વકપમાં પણ એટલી મેચ રમ્યો ન હતો. તે ODI World Cup 2023ની કેટલીક મેચોમાં પ્લેઇંગ-11માં જગ્યા મેળવવા લાયક હતો. કેટલા ભારતીય ખેલાડીઓ સારા સમયે બેવડી સદી ફટકારી છે ?'
ત્રણ મેચ બાદ ઇશાનને આરામ આપવામાં આવ્યો
અજય જાડેજાએ વધુમાં કહ્યું હતું કે, 'ઈશાન કિશન ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની આખી T20 સિરીઝ પણ રમી શક્યો નથી. ત્રણ મેચ બાદ તેને આરામ માટે ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. જો આ ચાલુ રહેશે તો તે ક્યારે સંપૂર્ણ રીતે તૈયાર થશે? શું તમે ટ્રાયલ જ લેતા રહેશો. તમે છેલ્લા 2 વર્ષથી ટ્રાયલ પણ લઈ રહ્યા છો. ભારતીય ક્રિકેટમાં આ સમસ્યા આજની નથી પરંતુ ઘણી જૂની છે. અમે સિલેકશન નથી કરતા. અમે રિજેકશન કરીએ છીએ.'
ઇશાનની જગ્યાએ શ્રેયસ અય્યરને આપી તક
ઈશાન કિશન ત્રીજા નંબર પર બેટિંગ કરી રહ્યો હતો. યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડને ઓપનિંગની જવાબદારી સોંપવામાં આવી હતી. ઈશાનને બહાર કરીને ટીમ મેનેજમેન્ટે ત્રીજા નંબરે શ્રેયસ અય્યરને બેટિંગ કરવાની તક આપી હતી. ઇશાન કિશને પ્રથમ 2 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ફિફ્ટી ફટકારી હતી. પરંતુ ત્રીજી મેચમાં શૂન્ય પર આઉટ થઇ ગયો હતો. જો કે ત્રીજી મેચમાં ખરાબ બેટિંગ અને ખરાબ વિકેટકીપિંગ બાદ ટીમ મેનેજમેન્ટે તેને પ્લેઈંગ-11માંથી બહાર કરી દીધો હતો.