Get The App

આજે ભારત અને ITF વચ્ચે મિટિંગ : પાકિસ્તાન સામેના ડેવિસ કપ મુકાબલા અંગે નિર્ણય લેવાશે

- AITA ભારતીય ટીમને ડેવિસ કપ રમવા પાકિસ્તાન મોકલવા તૈયાર નથી

- ભારતીય ટીમને સપ્ટેમ્બરમાં ઈસ્લામાબાદમાં યજમાનો સામે ડેવિસ કપ ટાઈ રમવાની છે

Updated: Aug 18th, 2019


Google NewsGoogle News
આજે ભારત અને ITF વચ્ચે મિટિંગ : પાકિસ્તાન સામેના ડેવિસ કપ મુકાબલા અંગે નિર્ણય લેવાશે 1 - image

નવી દિલ્હી, તા.18 ઓગસ્ટ 2019, રવિવાર

ભારતીય મેન્સ ટેનિસ ટીમને આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશન (આઇટીએફ) સંચાલિત ડેવિસ કપ ટાઈની મેચો રમવા માટે આવતા મહિને પાકિસ્તાન જવાનું છે. જોકે છેલ્લા કેટલાક સમયથી બંને દેશોના રાજકીય સંબંધોમાં આવેલા તનાવને પરીણામે ભારતીય ટેનિસ ખેલાડીઓ તેમજ ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (એઆઇટીએ) ભારતીય ટીમને પાકિસ્તાન ન મોકલવાનું મન બનાવી ચૂક્યા છે.

હવે આ અંગે એઆઇટીએ અને આઇટીએફના અધિકારીઓ વચ્ચે આવતીકાલે એક મિટિંગનું આયોજન થશે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ડેવિસ કપ ટાઈ અંગે કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.નોંધપાત્ર છે કે, ડેવિસ કપના કાર્યક્રમ અનુસાર ભારતીય ટીમને તારીખ ૧૪ અને ૧૫ સપ્ટેમ્બર દરમિયાન ઈસ્લામાબાદમાં યજમાન ટીમ સામે ડેવિસ કપ ટાઈ રમવાની છે.

એઆઇટીએ અને આઇટીએફના અધિકારીઓ વચ્ચે ટેલિ કોન્ફરન્સથી મિટીંગ યોજાવાની છે, જેમાં ભારતીય ડેવિસ કપ ટીમનો નોન પ્લેઈંગ કેપ્ટન મહેશ ભૂપતિ મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દૂર કરવાનો નિર્ણય લેતા પાકિસ્તાન અકળાયું હતુ અને આ પછી તેમણે ભારત સાથેના રાજદ્વારી સંબંધોનું સ્તર ઘટાડી દીધુ હતુ.

આ ઉપરાંત પણ તેમણે ભારત સામે કેટલાક પગલાં લીધા હતા. હવે આવી પરિસ્થિતિમાં ભારતીય ટેનિસ ટીમને પાકિસ્તાન પ્રવાસમાં જોખમ થાય તેવી સંભાવના છે. જેના પગલે ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશને આઇટીએફને મનાવવાનો નિર્ણય લીધો છે. આતંકવાદને પોષતા પાકિસ્તાન સાથેના દ્વિપક્ષિય રમત સંબંધો તો ભારતે કાપી જ નાંખ્યા છે.

જોકે આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં ભારત સરકાર કે ખેલ મંત્રાલયે કોઈ દખલ કરવાનો ઈનકાર કરી લીધો છે. હવે આ અંગેનો નિર્ણય ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન અને આઇટીએફે મળીને લેવાનો છે. એઆઇટીએ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે, તેઓ ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવા માટે તૈયાર નથી.

ITFને સ્થળ બદલવા મનાવવાનો પડકાર

ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશને સ્પષ્ટ કરી દીધું છે કે, હાલની પરિસ્થિતિમાં ભારતીય ટીમ ડેવિસ કપ ટાઈ રમવા માટે પાકિસ્તાન જાય તેની શક્યતા જ નથી. આવી સ્થિતિમાં આઇટીએફે ડેવિસ કપ ટાઈ અન્ય દેશમાં ખસેડવી પડે કે પછી સ્થગિત કરવી પડી શકે છે. જોકે આઇટીએફ માને છે કે, પાકિસ્તાનમાં સલામતીની સ્થિતિ સંતોષજનક છે અને ડેવિસ કપ ટાઈ રમાય તેમ છે. ભારતની ચિંતા બાદ આઇટીએફના આ જવાબને પગલે ટેનિસ જગતમાં નારાજગી ફેલવા પામી હતી. હવે એઆઇટીએફ ખેલાડીઓએ વ્યક્ત કરેલી ચિંતાનું કારણ આગળ ધરીને આઇટીએફને મનાવવાની કોશીશ કરશે.

રાજકીય ટકરાવને કારણે ડેવિસ કપ ટાઈ અન્યત્ર ખસેડી શકાય

ડેવિસ કપના નિયમો અંતર્ગત નીચેના નિયમ અનુસાર કોઈ દેશમાં ડેવિસ કપ ટાઈ અન્યત્ર ખસેડી શકાય.

જો ડેવિસ કપની કમિટીને લાગે કે, જે દેશમાં ડેવિસ કપ ટાઈ રમાડવાનો નિર્ણય લેવાયો છે, તે દેશમાં મેચ રમવા માટે હરિફ ટીમ વ્યવહારૃ રીતે પહોંચી શકે તેમ નથી. આ માટે યુદ્ધ, રાજકીય તનાવ, આતંકવાદ કે કુદરતી આપદા જેવા કારણો જવાબદાર છે. તો તેઓ ડેવિસ કપ ટાઈ અન્ય દેશમાં ખસેડવાનો નિર્ણય લઈ શકે છે.

જો ભારત ખસી જાય તો ...

જો ભારત પાકિસ્તાન સામેની ડેવિસ કપ ટાઈમાંથી ખસી જાય તો, ભારતીય ટીમ એશિયા-ઓસેનિયા ગૂ્રપ ટુમાં ફેંકાઈ જાય અને ૨૦૨૨ સુધી વર્લ્ડ ગૂ્રપ ક્વોલિફાયર્સમાં પ્રવેશ મેળવી ન શકે. ભારતે આ પછી ૨૦૨૦ સુધી એશિયા-ઓસેનિયા ગૂ્રપ-ટુના મુકાબલા રમવા પડે, તેમાં જો સફળતા મળે તો ટીમ ગૂ્રપ-વનમા પ્રવેશે અને ૨૦૨૧માં ગૂ્રપ-વનના મુકાબલામાં રમવા પડે અને ત્યાર બાદ તેઓ વર્લ્ડ ગૂ્રપમાં ક્વોલિફાય થઈ શકે.


Google NewsGoogle News