ટાટાની એરલાઈન્સને વધુ એક નોટિસ, ભૂલ સુધારવા 15 દિવસની મહોલત

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
ટાટાની એરલાઈન્સને વધુ એક નોટિસ, ભૂલ સુધારવા 15 દિવસની મહોલત 1 - image


ટાટા બિઝનેસ સમૂહની દ્રષ્ટિએ જ વિશાળ છે અને તેમાં પણ ટાટાનો એરલાઈન્સ પોર્ટફોલિયો પણ વ્યાપક છે. એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ, એર એશિયા, વિસ્તારાના સંચાલન સાથે ટાટા દેશની ટોચની એરલાઈન્સ કંપનીઓ ચલાવે છે. જોકે તાજેતરમાં એરલાઈન્સના ઉડ્ડયનમાં ખામી બાદ હવે એર ઈન્ડિયાના મેનૂ પર પણ અનેક સવાલો ઉભા થયા છે.

હવે આ મુદ્દે રેગ્યુલેટરી ઓથોરિટીએ સંજ્ઞાન લીધું છે. વાસ્તવમાં FSSAIએ ફ્લાઇટમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં બ્લેડ જેવી વસ્તુ મળવા મામલે એરલાઇન કંપનીને કરેક્શન નોટિસ જારી કરી છે. એરલાઇનની ખાદ્ય સામગ્રી તાજસેટ્સ (Tajsats) દ્વારા સપ્લાય કરવામાં આવે છે. હવે આ મામલે FSSAIએ એરલાઇન કંપનીને ભૂલ સુધારવા માટે 15 દિવસનો સમય પણ આપ્યો છે.

શું છે સમગ્ર મામલો?

બેંગ્લોરથી સાન ફ્રાન્સિસ્કો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરોને પીરસવામાં આવેલા ભોજનમાં બ્લેડ જેવી વસ્તુ મળી આવી હતી. આ પહેલા પણ ફ્લાઇટમાં મુસાફરોએ ઘણી વખત ખોરાકની ખરાબ ગુણવત્તાની ફરિયાદ કરી હતી. FSSAIએ Tajsats બેંગ્લોર ખાતે એક નિરીક્ષણ હાથ ધર્યું હતુ. આ સ્થળેથી જ એરલાઈન્સને ખાદ્યપદાર્થો સપ્લાય કરવામાં આવ્યા હતા.

15 દિવસનો સમયગાળો :

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 હેઠળ, જો કોઈ ફૂડ બિઝનેસ ઓપરેટર કોઈપણ નિયમનું પાલન કરવામાં નિષ્ફળ ગયો હોય અને વાજબી સમયગાળામાં જરૂરી પગલાં લેવા જરૂરી હોય તો તેને સુધારણા નોટિસ જારી કરી શકાય છે. તેમણે કહ્યું કે કંપનીને 15 દિવસની અંદર નોટિસનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.

એર ઈન્ડિયા અને તેના કેટરિંગ પાર્ટનર Tajsats ટાટા ગ્રુપની માલિકીની જ છે. એરલાઈને સોમવારે આ ઘટના માટે માફી માંગી હતી. ફૂડ સેફ્ટી ઓથોરિટીને જાણવા મળ્યું છે કે ઓટોમેટિક વેજીટેબલ કટરની બ્લેડ અલગ થઈ ગઈ હતી અને શાકભાજીના ટુકડાની અંદર ફસાઈ ગઈ હતી. ભવિષ્યમાં સમાન ઘટનાઓને રોકવા માટે Tajsatsને નિરીક્ષણ અને જાળવણી પ્રક્રિયાઓને મજબૂત કરવા તેમજ એક્સ-રે મશીનોની સ્થાપના અને શાકભાજીના મેન્યુઅલ કટિંગ સહિત અન્ય સુધારાત્મક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 


Google NewsGoogle News