T20 World Cup: ICC ટુર્નામેન્ટમાં આજ સુધી એકપણ મેચ નથી હાર્યો આ કેપ્ટન, ફરી જીતશે તો રચાશે ઇતિહાસ
દક્ષિણ આફ્રિકન ટીમ અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં પહોંચી ચૂકી છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમનો કેપ્ટન તરીકે રેકોર્ડ જબરદસ્ત રહ્યો છે. દક્ષિણ આફ્રિકા આ વખતે વર્લ્ડકપ જીતે તેવી તેને આશા હશે. કારણ કે ICC ટુર્નામેન્ટમાં તે આજ સુધી માર્કરમ કેપ્ટન તરીકે એક પણ મેચ હાર્યો નથી.
2014માં અંડર19 વર્લ્ડકપ જીત્યું દક્ષિણ આફ્રિકા
તેની આગેવાનીમાં દક્ષિણ આફ્રિકન ટીમ 2014માં અંડર19 વર્લ્ડકપ જીતી હતી. આ ટુર્નામેન્ટમાંની તમામ 6 મેચો તેની ટીમ જીતી હતી. ત્યાર પછી ગયા વર્ષે વર્લ્ડકપ 2023ની બે મેચોમાં તેણે આગેવાની કરી હતી. આ બંને મેચો દક્ષિણ આફ્રિકા જીત્યું હતું.
આ વર્લ્ડકપમાં પણ એકપણ મેચ નથી હાર્યું
હાલ ચાલી રહેલી ટુર્નામેન્ટ T20 વર્લ્ડકપ 2024ની તમામ 8 મેચો પણ દક્ષિણ આફ્રિકન ટીમ જીતી છે. સેમિ ફાઇનલમાં તો અફઘાનિસ્તાનને સજ્જડ માત આપી હતી અને માત્ર 56 રને ઓલ આઉટ કરીને 9 વિકેટે વિજય મેળવ્યો હતો. માર્કરમ દક્ષિણ આફ્રિકાને પહેલી વખત વર્લ્ડકપ ફાઇનલ સુધી દોરી જનાર કેપ્ટન પણ બન્યો છે.
પહેલી વખત ICC વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ટીમ
અગાઉ દક્ષિણ આફ્રિકા 7 વખત ICC વર્લ્ડકપની (વન-ડે અને t20 બંને મળીને) સેમિફાઇનલ હારી ચૂક્યું છે. પરંતુ આ 8મી સેમિ ફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવીને તેઓ ફાઇનલમાં પહોંચ્યા છે. માર્કરમની કેપ્ટન્સીમાં દક્ષિણ આફ્રિકાને આશા છે કે આ વખતે તેઓ ફાઇનલ અને ટુર્નામેન્ટ બંને જીતીને ઇતિહાસ રચી બતાવશે.