શું ગૌતમ ગંભીરને કોચ બનાવવા સામે ગાંગુલીને છે વાંધો? પોસ્ટ વાયરલ થતાં ફેન્સ ચોંક્યા
ICC T20 વર્લ્ડ કપ 2024 પછી ભારતીય ટીમના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ તરત જ પુરો થઇ જશે. આ પછી 1 જુલાઈએ ટીમ ઈન્ડિયાની કમાન નવા મુખ્ય કોચને સોંપવામાં આવશે. પરંતુ ટીમ ઈન્ડિયાના આગામી મુખ્ય કોચ કોણ હશે તે એક મોટો પ્રશ્ન છે.
હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે KKRના મેન્ટર ગૌતમ ગંભીરને ભારતીય ટીમનો આગામી મુખ્ય કોચ બનાવવામાં આવી શકે છે. એવી પણ માહિતી હતી કે, BCCIએ ગૌતમ ગંભીરની તમામ શરતો સ્વીકારી લીધી છે અને તે ટીમ ઈન્ડિયાનો આગામી મુખ્ય કોચ બની શકે છે.
ભારતીય ટીમના કરોડો ચાહકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે ટીમ ઈન્ડિયાનો આગામી મુખ્ય કોચ કોણ હશે. વિશ્વભરના ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ આ પદ સંભાળવાનો ઇનકાર કર્યો છે. રિકી પોન્ટિંગથી લઈને જસ્ટિન લેંગર સુધી બધાએ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવાની ના પાડી દીધી છે. આ દરમિયાન સૌરવ ગાંગુલીએ એક પોસ્ટ શેર કરી છે.
શું ગાંગુલી નથી ઈચ્છતો કે, ગંભીર મુખ્ય કોચ બને?
આ સંદર્ભમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી દ્વારા કરવામાં આવેલી પોસ્ટ ચર્ચામાં આવી છે. ચાહકો ગાંગુલીની પોસ્ટનું અર્થઘટન કરી રહ્યા છે કે તેઓ નથી ઈચ્છતા કે ગૌતમ ગંભીર ભારતીય ટીમનો મુખ્ય કોચ બને.
સૌરવ ગાંગુલીએ પોસ્ટમાં શું લખ્યું?
સૌરવ ગાંગુલીએ આજે એટલે કે, 30મી મેના રોજ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વાત પોસ્ટ કરી છે. તેણે આ પોસ્ટમાં લખ્યું છે કે, ખેલાડીના જીવનમાં કોચનું મહત્વ ખૂબ જ હોય છે. કોચનું માર્ગદર્શન અને સતત તાલીમ કોઈપણ ખેલાડીની કારકિર્દીને આકાર આપવામાં મદદ કરે છે. હેડ કોચ ભલે મેદાનથી દૂર રહે, તેમ છતાં તેમનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ માટે હેડ કોચની પસંદગી પણ સમજદારીપૂર્વક કરવી જોઈએ.
હવે પ્રશંસકો અનુમાન લગાવી રહ્યા છે કે, રાહુલની આ પોસ્ટ એ સંકેત આપી રહી છે કે ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ ન બનાવવામાં આવે.