T20 વર્લ્ડકપનો તાજ જીત્યાં બાદ હવે ભવ્ય સ્વાગતની તૈયારી, જાણો ક્યારે ટીમ ઈન્ડિયા પરત ફરશે
After Win T20 World Cup 2024, India Preparing For The Grand Reception Of The Team: ભારતે 17 વર્ષ બાદ આઈસીસી T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો છે. શનિવારે ખૂબ જ રોમાંચક ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને ભારતે આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. અગાઉ સાત મહિના પહેલા (નવેમ્બર 19, 2023) આઈસીસી વનડે ક્રિકેટ વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે કરોડો ભારતીય ચાહકોનું હૃદય તૂટી ગયું હતું. હવે T20 વર્લ્ડકપ 2024ની જીત બાદ દેશભરમાં ઉજવણી થઇ રહી છે.
દિલ્હી, મુંબઈ, લખનૌ, ભોપાલ, જયપુરથી ચંદીગઢ...ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ...દેશના દરેક ભાગમાં ઉજવણી જોવા મળી રહી છે. જ્યારે ભારતીય ટીમ મેદાન પર જશ્ન મનાવી રહી હતી. ત્યારે ભારતમાં લોકોએ રસ્તાઓ પર ત્રિરંગો લહેરાવી ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. હવે દરેક લોકો રાહ જોઈ રહ્યા છે કે ભારતીય ટીમ ઘરે ક્યારે પરત ફરશે. અને ક્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
આ પણ વાંચો: ભારતીય ટીમની મોટી સિદ્ધિ, 4 વર્લ્ડકપ જીતનારી દુનિયાની ત્રીજી ટીમ બની સર્જ્યો રેકોર્ડ
બુધવાર સુધીમાં પહોંચી શકે છે ભારતીય ટીમ
ભારતીય ટીમ આજે બાર્બાડોસમાં છે. કારણ કે 30 જુનના રોજ ફાઈનલ મેચ માટે રીઝર્વ ડે રખાયો હતો. કાલે સોમવારે ટીમ 11 વાગ્યે બાર્બાડોસથી ન્યુયોર્ક જવા રવાના થશે. બાદમાં મંગળવારે ટીમ ન્યૂયોર્કથી ફ્લાઈટમાં દુબઈ પહોંચશે અને ત્યાંથી ભારત પરત ફરશે. બુધવાર સુધીમાં ટીમ ભારત પહોંચે તેવી શક્યતા છે. ખેલાડીઓ દુબઈથી મુંબઈ આવશે કે દિલ્હી તે હજુ નક્કી નથી. તેની સંપૂર્ણ વિગતો આજે આવે તેવી શક્યતા છે. આ પછી ભારતીય ટીમનું વિજય સરઘસ કાઢવામાં આવશે. તે કાર્યક્રમની વિગતો હજી સામે આવી નથી.