VIDEO : ભારતીય હોકી ટીમના ખેલાડીઓનું એરપોર્ટ પર જોરદાર સ્વાગત, ઢોલના તાલે ઝૂમ્યાં ખેલાડીઓ
Indian Hockey Team Paris Olympics 2024: ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકસ 2024માં શાનદાર પ્રદર્શન કરી સ્પેનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અગાઉ ટોક્યો ઓલિમ્પિકસ 2020માં પણ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને 52 વર્ષ બાદ ઓલિમ્પિકસમાં હરાવી હતી. ભારતીય હોકી ટીમમાં દીવાલ તરીકે ઓળખાતા ગોલકીપર પીઆર શ્રીજેશએ પેરિસ ઓલિમ્પિકસ બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. હોકી ટીમે તેમના શ્રેષ્ઠ ખેલાડીને શાનદાર વિદાય આપી છે. ભારતીય હોકી ટીમની સતત બે ઓલિમ્પિકસમાં મળેલી સફળતાથી દરેક ભારતીય ખુશ છે. હવે હોકી ટીમ ભારત પરત આવી ગઈ છે ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કેપ્ટન હરમનપ્રીત સિંહ અને ભારતીય હોકી ટીમનું ફૂલોના હાર અને ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય ખેલાડીઓની રાહ જોઈને સવારથી જ એરપોર્ટની બહાર ચાહકો એકઠા થઈ ગયા હતા. જયારે ટીમના ખેલાડીઓ દિલ્હી એરપોર્ટથી બહાર આવી રહ્યા ત્યારે ચાહકોએ તેમને હાર પહેરાવીની સ્વાગત કર્યું હતું. ભારતીય ખેલાડીઓએ એરપોર્ટની બહાર પોતાના બ્રોન્ઝ મેડલ સાથે એક ગ્રૂપ ફોટો પડાવ્યો હતો. ઘણાં ખેલાડીઓ ડ્રમના અવાજ પર ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: વિનેશ ફોગાટે CAS સામે પેરિસ ઓલિમ્પિકની પોલ ખોલી, વજન વધી જવાનું કારણ પણ જણાવ્યું
નહીંતર મેડલનો રંગ અલગ હોત
હોકી ઈન્ડિયાના સચિવ ભોલાનાથ સિંહે જણાવ્યું કહ્યું કે, 'તે (પીઆર શ્રીજેશ) તેના(ઓલિમ્પિકસના સમાપન સમારોહમાં ધ્વજ વાહક બનવા માટે) લાયક હતો. જો ભારત સરકાર અને ભારતીય ઓલિમ્પિક સમિતિએ તેને આ તક આપશે તો હોકી ઈન્ડિયા તેમનો આભાર માનશે. સતત મેડલ જીતવું એ મોટી સિદ્ધિ છે, પરંતુ અમારું લક્ષ્ય ફાઈનલ મેચ રમવાનું હતું. રેફરીએ અમિત રોહિદાસને બહાર બેસાડવાની ભૂલ અમને બહુ ભારે પડી હતી. તેથી જ અમે બ્રોન્ઝ સાથે આવ્યા છીએ. નહીંતર મેડલનો રંગ અલગ હોત.'
32 વર્ષ બાદ ઓલિમ્પિકસમાં સતત બે વખત મેડલ જીત્યા
પેરિસ ઓલિમ્પિકસમાં બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં ભારતીય હોકી ટીમે સ્પેનને 2-1થી હરાવ્યું હતું. ભારતે 32 વર્ષ બાદ ઓલિમ્પિકસમાં સતત બે વખત મેડલ જીત્યા છે. આગાઉ ભારતીય ટીમે વર્ષ 1968માં મેક્સિકો સિટી ઓલિમ્પિકસ અને વર્ષ 1972 મ્યુનિક ઓલિમ્પિકસમાં સતત બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારતીય ટીમના સુપરસ્ટાર ગોલકીપર પીઆર શ્રીજેશ પેરિસ ઓલિમ્પિક 2024ના સમાપન સમારોહ માટે ભારતના ધ્વજ વાહકની ભૂમિકા ભજવશે.