T20માં પણ બાંગ્લાદેશની ફજેતી, ભારતીય ટીમ આ સીરિઝમાં પણ કરશે સૂપડાં સાફ
IND Vs BAN T20 Series: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે, પરંતુ અહીં તેની હંમેશાની જેમ જ ફજેતી થઈ રહી છે. ભારતીય ટીમે સૌથી પહેલા મહેમાન ટીમ બાંગ્લાદેશને ટેસ્ટ સીરિઝમાં ક્લીન સ્વીપ કર્યુ હતું. ત્યારબાદ હવે તેઓ T20 સીરિઝમાં પણ તેના સૂપડાં સાફ કરવા અગ્રેસર છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સૌથી પહેલા^ 2 મેચોની ટેસ્ટ સીરિઝ રમાઈ હતી. રોહિત શર્માની કૅપ્ટનશીપમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને ટેસ્ટ સીરિઝમાં 2-0થી ક્લીન સ્વિપ કર્યુ હતું. બીજી ટેસ્ટ તો ગજબની રહી જેમાં બાંગ્લાદેશને બે દિવસમાં બે વખત પરાજય મળ્યો હતો.
પાકિસ્તાનને ક્લીન સ્વીપ કરી ભારત આવી બાંગ્લાદેશી ટીમ
તમને જણાવી દઈએ કે, નઝમુલ હુસૈન શાંતોની કૅપ્ટનશીપમાં બાંગ્લાદેશી ટીમે પાકિસ્તાનને 2 ટેસ્ટની સીરિઝમાં ક્લીન સ્વિપ કર્યુ હતું. ત્યારબાદ બાંગ્લાદેશની ટીમ પૂરા જોશ સાથે ભારતના પ્રવાસ પર આવી. ત્યારે તેને અને દિગ્ગજ ખેલાડીઓને પણ પૂર્ણ વિશ્વાસ હતો કે ટેસ્ટ સીરિઝમાં બાંગ્લાદેશ ટીમ કાંટાની ટક્કર આપશે.
સીરિઝની પ્રથમ ટેસ્ટની શરુઆતમાં તેની નાની ઝલક જોવા પણ મળી હતી, જ્યારે બાંગ્લાદેશે ભારતીય ટીમની માત્ર 34 રનમાં 3 વિકેટ ઝડપી હતી. પરંતુ ત્યારબાદ ભારતીય ખેલાડીઓ આખી સીરિઝમાં એવી રીતે રમ્યા કે બાંગ્લાદેશની ટીમ ઊંધા મોઢે પછડાઈ.
34 રનમાં 3 વિકેટ ગુમાવવા છતાં ચેન્નાઈ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં રવિચંદ્રન અશ્વિને 113 રન અને રવીન્દ્ર જાડેજાએ 86 રન બનાવીને ભારતીય ટીમને સંભાળી હતી. તેમના દમ પર ભારતીય ટીમે 280 રનથી મેચ જીતી લીધી હતી.
કાનપુર ટેસ્ટમાં 2 દિવસમાં બે વખત બાંગ્લાદેશની ટીમ સમેટાઈ
સીરિઝની બીજી ટેસ્ટ કાનપુરમાં 27 સપ્ટેમ્બરના રોજ રમાઈ હતી. મેચના પ્રથમ 3 દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયા હતા. આ દરમિયાન માત્ર 35 ઓવરની મેચ રમાઈ હતી, જેમાં બાંગ્લાદેશની ટીમે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા હતા. ભીના આઉટફિલ્ડને કારણે બીજા દિવસની મેચ નહોતી થઈ શકી.
પરંતુ મેચ ચોથા દિવસે સંપૂર્ણ રીતે રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે શાનદાર બોલિંગ અને બેટિંગ કરીને મેચ પર કબજો જમાવ્યો હતો. ભારતીય ટીમ પાસે કાનપુર ટેસ્ટ જીતવા માટે છેલ્લા બે દિવસ જ બાકી હતા. આ બે દિવસમાં બાંગ્લાદેશને બે ઇનિંગમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ પોતે પણ શાનદાર બેટિંગ કરવાની હતી.
ગ્વાલિયર T20 મેચમાં 71 બોલમાં બાંગ્લાદેશને હરાવ્યું
હવે સૂર્યકુમાર યાદવની કૅપ્ટનશીપમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે પોતાના જ ઘરમાં 3 મેચની T20 સીરિઝ રમી રહી છે. પ્રથમ મેચ 6 ઑક્ટોબરે ગ્વાલિયરમાં રમાઈ હતી, જેમાં બાંગ્લાદેશને માત્ર 11.5 ઓવરમાં 7 વિકેટે હરાવ્યું હતું. મેચમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ બેટિંગ કરતાં 127 રન જ બનાવી શકી હતી. જવાબમાં ભારતીય ટીમે 71 બોલમાં મેચ જીતી લીધી હતી.
હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સીરિઝની બીજી T20 મેચ 9 ઑક્ટોબરના રોજ દિલ્હીમાં રમાશે. જ્યારે સીરિઝની ત્રીજી અને છેલ્લી T20 મેચ 12 ઑક્ટોબરના રોજ હૈદરાબાદમાં રમાશે. જો ભારતીય ટીમ આ બે મેચ જીતી જશે તો ટેસ્ટ બાદ T20 સીરિઝમાં પણ બાંગ્લાદેશના સૂપડાં સાફ કરી દેશે.