આ કારણે અમારી ટીમ 9માં ક્રમે રહી, પરાજય બાદ પંજાબના કોચે જણાવી કમી
Punjab Out of IPL 2024 Playoffs : IPLમાં રમતી 10 ટીમોમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોપ-4 ટીમો પ્લેઓફમાં જાય છે અને તેમાંથી એક વિજેતા બને છે. IPL 2024માં ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને પાંચ વખત ટાઈટલ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સ રહી છે જ્યારે ગત વર્ષ 2023 અને 2022ની વિજેતા ટીમો CSK અને GT પણ પ્લેઓફની રેસમાંથી બહાર નીકળી ગઈ છે. જોકે આ વર્ષે પણ એક-બે ટીમ એવી રહી જેમનું પરફોર્મન્સ વર્ષ બદલાયું, ખેલાડી બદલાયા પરંતુ પરિણામ ન બદલાયું જેમકે પંજાબ અને દિલ્હી.
લીગ સ્ટેજની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પંજાબ કિંગ્સની ટીમે પ્રથમ બેટિંગ કરીને હૈદરાબાદને 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો. હૈદરાબાદની પહેલાં બોલે વિકેટ પડ્યા છતા તાબડતોબ શરૂઆત બાદ આ લક્ષ્યાંકનો સરળતાથી પીછો કર્યો અને અંતિમ ઓવરમાં હાંસલ પણ કરી લીધો. આ મેચમાં જીત સાથે હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. હવે તેનો મુકાબલો બીજા ક્વોલિફાયરમાં KKR ટીમ સામે થશે. પંજાબની હાર બાદ કોચ સંજય બાંગરે એક મહત્વનું મોટું નિવેદન આપ્યું છે.
સંજય બાંગરે શું કહ્યું ?
સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 4 વિકેટની હાર બાદ સંજય બાંગરે કહ્યું કે, અમે ઘરની પરિસ્થિતિ સાથે એડજસ્ટ થઈ શક્યા નથી. અમે સાત Home Away મેચમાંથી ચાર જીત્યા પરંતુ સાત હોમ મેચમાંથી માત્ર એક જ જીતી શક્યા. જો કોઈ ટીમે આ ટૂર્નામેન્ટમાં આગળ વધવું હોય તો આ ચોક્કસપણે ચિંતાજનક પાસું છે. સીઝનની મધ્યમાં અમે સતત ચાર મેચ હારી ગયા અને તે તમામ અમારી હોમ મેચ હતી. અમે બે મેચો તો ખૂબ જ નજીક પહોંચ્યાચ છતા અમારી તરફેણમાં ફેરવી શક્યા નહીં. જો તમે અમુક મહત્વની બાબતો સિઝન બાદ માટે છોડી દો છો તો તે હંમેશા પડકારજનક રહેશે.
IPL 2024માં ખૂબ ખરાબ પ્રદર્શન :
પંજાબ કિંગ્સની ટીમ IPL 2024માં સારું પ્રદર્શન કરી શકી નથી. ઇન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સિઝનમાં સાત ઘરેલું મેચમાંથી માત્ર એક જ જીતવામાં સફળ રહી છે. પંજાબ કિંગ્સે આ સિઝનમાં મુલ્લાનપુર અને ધર્મશાલામાં પોતાની હોમ મેચ રમી હતી. રવિવારે અહીં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ચાર વિકેટથી પરાજય બાદ ટીમ 14 મેચમાં 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં નવમા ક્રમે રહી હતી.
કેપ્ટનો વારંવાર બદલાયા :
વર્તમાન સિઝનમાં પંજાબ કિંગ્સના નિયમિત કેપ્ટન શિખર ધવન ઈજાગ્રસ્ત થયા હતા આ પછી સેમ કરનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે પરંતુ તેની કેપ્ટનશીપમાં પણ ટીમનું કિસ્મત બદલી શકાયું નહિ. અંતિમ મેચ પહેલા તે ઘરે પરત ફરતા છેલ્લી મેચમાં જીતેશ શર્માને પંજાબનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેણે પ્લેઈંગ ઈલેવનમાં માત્ર એક વિદેશી ખેલાડીનો સમાવેશ કરીને સૌને ચોંકાવ્યા હતા.