Get The App

અકસ્માત બાદ આ પહેલી ટેસ્ટ મેચ હતી..: જીત બાદ ભાવુક થયો રિષભ પંત, જુઓ શું કહ્યું

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
અકસ્માત બાદ આ પહેલી ટેસ્ટ મેચ હતી..: જીત બાદ ભાવુક થયો રિષભ પંત, જુઓ શું કહ્યું 1 - image

Rishabh Pant : રિષભ પંતે ચેન્નાઈ ખાતે પહેલી ટેસ્ટની બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે 128 બોલમાં 109 રનની ઇનિંગ રમી હતી. ભારતે આ ટેસ્ટ 280 રનથી જીતી હતી.  જીત બાદ પંતે જણાવ્યું કે આ સદી તેના માટે શું મહત્ત્વ ધરાવે છે.

ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલે સાથે વાતચીત કરતા પંતે કહ્યું હતું કે, ‘આ સદી મારા માટે ખાસ હતી, કારણ કે મને ચેન્નાઈમાં રમવાનું પસંદ છે. ઈજાગ્રસ્ત થયા બાદ હું ત્રણેય ફોર્મેટમાં રમવા માંગતો હતો. વાપસી બાદ આ મારી પહેલી ટેસ્ટ મેચ હતી. આ દિવસ મારા માટે ખુશી લાવનારો હતો. સદી પછી આ મારા માટે ભાવનાત્મક પળ હતી, હું પુનરાગમન પછી દરેક મેચમાં સ્કોર કરવા માંગતો હતો. પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરવું અલગ હતું, કારણ કે હું અહિયાં સૌથી વધુ જોડાણ અનુભવું છું. મને બેટિંગ કરવામાં ઘણો આનંદ આવ્યો અને પછીથી હું થોડો ભાવુક થઈ ગયો.'

મેદાન પર રહેવામાં આનંદ આવે છે

પંતે શુભમન ગિલ સાથેની ભાગીદારી વિશે વાત કરતા જણાવ્યું હતું કે, 'અંતે મને કંઈપણ કરતાં વધુ મેદાન પર રહેવામાં આનંદ આવે છે. હું પરિસ્થિતિને મારી રીતે સમજવાનો પ્રયત્ન કરું છું. જ્યારે 30 રન પર 3 વિકેટ પડી ગઈ હોય ત્યારે તમારે ભાગીદારીની જરૂર હોય છે. મેં અને ગિલે એ જ કર્યું હતું. મને લાગે છે કે જ્યારે તમે એવી વ્યક્તિ સાથે બેટિંગ કરો છો કે, જેની સાથે મેદાનની બહાર તમારા સંબંધ સારા છે, તો એ તમને ઘણું મદદ કરે છે.'

આ પણ વાંચોઃ IND vs BAN: રોહિત શર્માએ તોડ્યો સચિનનો વર્ષો જૂનો રેકૉર્ડ, ધોની પણ રહી ગયો પાછળ

રિષભ પંત અને શુભમન ગીલે કરી મહત્ત્વપૂર્ણ ભાગીદારી 

પહેલી ટેસ્ટની વાત કરીએ તો બાંગ્લાદેશે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઝડપી બોલર હસન મહમૂદે કેપ્ટન શાંતોના આ નિર્ણયને સાચો સાબિત કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. ભારતીય ટોપ ઓર્ડર નિષ્ફળ જતા ટીમે 34 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ પંતે 39 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ ટીમના સ્કોરને આગળ ધપાવતા 199 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. અશ્વિને 113 રન અને જાડેજાએ 86 રન કર્યા હતા. ભારતે પહેલી ઇનિંગમાં 376નો સ્કોર કર્યો હતો. જવાબમાં બાંગ્લાદેશ 149 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. બીજી ઇનિંગમાં પણ ભારતનો ટોપ ઓર્ડર નિષ્ફળ ગયો હતો. પરંતુ રિષભ પંત અને શુભમન ગીલે સાથે મળીને ટીમને 234ના સ્કોર સુધી પહોંચાડી હતી. ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો લક્ષ્ય આપ્યો હતો. પરંતુ બાંગ્લાદેશની ટીમ 234 રનમાં સમેટાઈ ગઈ હતી. બીજી ટેસ્ટ મેચ 27 ઓક્ટોબરથી કાનપુરમાં રમાશે.


Google NewsGoogle News