Get The App

T20 વર્લ્ડ કપમાં શરમજનક દેખાવ પછી સ્ટાર ખેલાડીએ છોડી કેપ્ટનશિપ, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ ઠુકરાવી દીધો

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
Kane Williamson Resign

Kane Williamson Resign From Captainship: અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. આ વખતે વર્લ્ડ કપમાં ઘણા ઉલટફેર જોવા મળ્યા છે. જેમાં ઘણી ટીમ બહાર ફેંકાઈ ગઈ છે. આ ટીમોમાં વર્લ્ડ કપની ફેવરિટ ગણાતી ન્યૂઝીલેન્ડની ટીમ પણ સામેલ છે. ત્યારે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ટીમના ખરાબ પ્રદર્શન બાદ કેન વિલિયમસને કેપ્ટન પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત તેમણે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને પણ છોડી દેવાનો નિર્ણય કર્યો છે. તેના સ્થાને વિલિયમસને જનરલ કોન્ટ્રાક્ટને પસંદ કર્યો છે. 

કિવી ટીમ ગ્રૂપ સ્ટેજમાંથી જ બહાર થઇ ગઈ

T20 વર્લ્ડકપમાં કેન વિલિયમસની આગેવાની હેઠળ ન્યૂઝીલેન્ડની ટીમે ખરાબ પ્રદર્શન કર્યું હતું. ટીમ સુપર-8માં પણ પોતાનું સ્થાન બનાવી શકી ન હતી. T20 વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે કે કિવી ટીમ ગ્રૂપ સ્ટેજમાંથી જ બહાર થઇ ગઈ હોય. ટીમને શરૂઆતમાં જ અફઘાનિસ્તાન અને વેસ્ટઇન્ડિઝ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

વિલિયમસને મર્યાદિત ઓવરોની કેપ્ટનશીપ છોડી

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના જણાવ્યાનુસાર વિલિયમસને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની સાથે T20 અને વનડેની કેપ્ટનશિપ છોડી છે. ઉલ્લેખનીય છે કે કિવી બોર્ડના નિયમ મુજબ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ ખેલાડીઓને નેશનલ ટીમ અને સ્થાનિક ટુર્નામેન્ટમાં રમવું જરૂરી હોય છે.

પરિવારને સમય આપવો છે : વિલિયમસન

કેપ્ટન પદ પરથી રાજીનામું આપતા વિલિયમસને જણાવ્યું હતું કે, 'ટીમને બધા જ ફોર્મેટમાં આગળ વધારવા માટે હું હંમેશા મદદ કરતો રહીશ. હું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને સ્વીકારવા માટે તૈયાર નથી. ન્યૂઝીલેન્ડ માટે ક્રિકેટ રમવું મારા માટે ગૌરવપૂર્ણ બાબત છે. ક્રિકેટે મારું જીવન બદલી નાખ્યું છે. હવે મારે પરિવારને વધુ સમય આપવો છે.' નોંધનીય છે કે કેન વિલિયમસને 91 વનડે મેચ, 75 T20 મેચમાં ન્યૂઝીલેન્ડ ટીમની કેપ્ટનશિપ કરી હતી. જેમાં 47 વનડે અને 39 T20 મેચમાં ટીમનો વિજય થયો હતો.



Google NewsGoogle News