Get The App

'ગબ્બર' બાદ હવે ટીમ ઈન્ડિયાના આ 11 દિગ્ગજો સંન્યાસ લે તેવી શક્યતા, વાપસી થવી મુશ્કેલ!

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
Indian Cricketers Take Retirement

Image: IANS


Indian Cricketers May Take Retirement Soon: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન શિખર ધવને 24 ઓગસ્ટ (શનિવાર)ના રોજ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ધવને આ માહિતી એક વીડિયો પોસ્ટ દ્વારા આપી હતી. ધવને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું, ધવનની નિવૃત્તિ બાદ હવે અન્ય અમુક ક્રિકેટર પણ આગામી ટૂંકસમયમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ શકે છે. આ ખેલાડીઓને ઘણા સમયથી રમવાની તક મળી રહી નથી, તેમજ ભવિષ્યમાં પણ તેઓ રમી શકે તેવી સંભાવના ઓછી હોવાથી તેઓ હવે નિવૃત્તિ જાહેર કરી શકે છે.

પિયુષ ચાવલાઃ 35 વર્ષીય પિયુષ ચાવલા ક્રિકેટ વર્લ્ડ કપ 2011માં ભારતીય ટીમનો ભાગ હતો. પિયુષ છેલ્લે ડિસેમ્બર 2012માં ભારત તરફથી રમતા જોવા મળ્યો હતો. રાઈટ હેન્ડેડ સ્પિનર પિયુષે ભારત માટે ત્રણ ટેસ્ટ, 25 ODI અને 7 T20 મેચ રમી છે. તેના નામે સાત ટેસ્ટ, 32 ODI અને 4 T20 આંતરરાષ્ટ્રીય વિકેટ છે.

રિદ્ધિમાન સાહાઃ ટેસ્ટ ક્રિકેટમાંથી મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ બાદ રિદ્ધિમાન સાહાને વિકેટકીપર તરીકે ઘણી તકો મળી. જો કે, બાદમાં સાહાની કારકિર્દી ઉતાર-ચઢાવ પર ગઈ. રિદ્ધિમાન સાહા છેલ્લે વર્ષ 2021માં ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો. 40 ટેસ્ટ અને 9 ODI ઈન્ટરનેશનલ રમી ચૂકેલા રિદ્ધિમાન સાહા 39 વર્ષના છે. કેએસ ભરત, ઇશાન કિશન, ધ્રુવ જુરેલ અને ઋષભ પંત સાથે, સાહાની ટીમમાં વાપસીના દરવાજા સંપૂર્ણપણે બંધ છે.

ઈશાંત શર્માઃ ફાસ્ટ બોલર ઈશાંત શર્મા એક સમયે ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમનો મહત્વનો સભ્ય હતો, પરંતુ હવે તેની કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ છે. ઈશાંત શર્માએ ભારત માટે 105 ટેસ્ટ, 80 ODI અને 14 T20 મેચ રમી છે. ઈશાંતે ટેસ્ટમાં 311, ODI ઈન્ટરનેશનલમાં 115 અને T20 ઈન્ટરનેશનલમાં 8 વિકેટ લીધી હતી. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ નવેમ્બર 2021માં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. 35 વર્ષીય ઈશાંત શર્માનું પુનરાગમન અસંભવ છે કારણ કે ભારતીય ટીમ હવે યુવા ઝડપી બોલરોને તક આપી રહી છે.

આ પણ વાંચોઃ 'સિક્સર કિંગ' યુવરાજને IPLમાં મોટી જવાબદારી મળવાની ચર્ચા, આ ટીમને શીખવશે ક્રિકેટના 'ગુણ'?

અમિત મિશ્રા: લેગબ્રેક બોલર અમિત મિશ્રાએ પણ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી નથી. અમિતે છેલ્લે 2017માં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યારે તે ઈંગ્લેન્ડ સામેની T20 મેચમાં જોવા મળ્યો હતો. 41 વર્ષીય અમિતે ભારત માટે 22 ટેસ્ટ, 36 ODI અને 10 T20 મેચ રમી છે. આ દરમિયાન તેણે 156 વિકેટ ઝડપી છે. અમિત IPL 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) માટે રમ્યો હતો. 

કરુણ નાયરઃ વીરેન્દ્ર સેહવાગ સિવાય માત્ર કરુણ નાયરે જ ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ત્રેવડી સદી ફટકારી છે. જો કે તે ત્રેવડી સદી બાદ 31 વર્ષના કરુણ નાયરનો ગ્રાફ વધવાને બદલે નીચે જતો રહ્યો. કરુણ નાયરે છેલ્લી વખત ભારત માટે વર્ષ 2017માં મેચ રમી હતી. કરુણ હવે બહુ ઓછું ક્રિકેટ રમી રહ્યો છે, તેથી તેનું પુનરાગમન ઘણું મુશ્કેલ છે. કરુણે ભારત માટે છ ટેસ્ટ અને બે વનડે મેચ રમી છે.

મનિષ પાંડેઃ મિડલ ઓર્ડર બેટ્સમેન મનિષ પાંડેની વાર્તા પણ કરુણ નાયર જેવી છે. 34 વર્ષનો મનિષ પાંડે તેને મળેલી તમામ તકોનો લાભ ઉઠાવી શક્યો નથી. પાંડેએ ભારત માટે 29 ટેસ્ટ અને 39 ટી20 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે વન-ડેમાં 566 રન અને ટી20 ઈન્ટરનેશનલમાં 709 રન બનાવ્યા હતા. પાંડેએ ભારત માટે તેની છેલ્લી મેચ જુલાઈ 2021માં રમી હતી.

ઋષિ ધવનઃ ઓલરાઉન્ડર ઋષિ ધવને પણ ઈન્ટરનેશનલ લેવલ પર ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. ઋષિ ભારત માટે ત્રણ વનડે અને એક ટી20 ઈન્ટરનેશનલ રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન, તેણે ODI અને T20 આંતરરાષ્ટ્રીય બંનેમાં 1-1 વિકેટ લીધી હતી. 34 વર્ષીય ઋષિ ભારત તરફથી છેલ્લે જૂન 2016માં રમ્યો હતો.

મોહિત શર્મા: ફાસ્ટ બોલર મોહિત શર્માએ તેની કારકિર્દીમાં ભારતીય ટીમ માટે 26 ODI અને 8 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભાગ લીધો છે. આ સમયગાળા દરમિયાન તેણે ODI ફોર્મેટમાં 31 વિકેટ ઝડપી હતી. 35 વર્ષીય મોહિતે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2015માં રમી હતી. હવે તેને તક મળવી મુશ્કેલ છે. મોહિત IPLમાં ગુજરાત ટાઇટન્સ (GT) તરફથી રમે છે.

ઉમેશ યાદવઃ ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ઘણા મહિનાઓથી ટીમ ઈન્ડિયાની બહાર છે. ઉમેશે ભારત માટે તેની છેલ્લી મેચ ગયા વર્ષે જૂનમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. 36 વર્ષીય ઉમેશે ભારત માટે અત્યાર સુધીમાં 57 ટેસ્ટ, 75 ODI અને નવ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ઉમેશે ટેસ્ટ મેચમાં 30.95ની એવરેજથી 170 વિકેટ લીધી છે. આ સિવાય ઉમેશે વન ડેમાં 106 અને T20 ઈન્ટરનેશનલમાં 12 વિકેટ ઝડપી હતી.

ભુવનેશ્વર કુમારઃ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર લગભગ બે વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. ભુવી છેલ્લે નવેમ્બર 2022માં ભારત તરફથી રમતા જોવા મળ્યો હતો. કોઈપણ રીતે, 2013માં ભારત માટે ડેબ્યૂ કર્યા બાદ ભુવનેશ્વર સતત ઈજાઓ સામે ઝઝૂમી રહ્યો છે. 34 વર્ષીય ભુવીએ 21 ટેસ્ટ, 121 વનડે અને 87 ટી-20 મેચ રમી છે. જેમાં 294 વિકેટ ઝડપી હતી. ભારતીય ફાસ્ટ બોલિંગ યુનિટમાં યુવા બોલરોના આગમનથી તેમને ભાગ્યે જ વધુ તકો મળી શકે છે.

જયંત યાદવઃ સ્પિનર જયંત યાદવને પણ ભારત તરફથી રમવાની તક મળી. જયંતે ભારત માટે 6 ટેસ્ટ અને બે ODI મેચ રમી હતી. જયંતે 16 વિકેટ લેવા ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં 248 રન બનાવ્યા હતા. વનડે ઈન્ટરનેશનલમાં 2 વિકેટ ઝડપી હતી. જયંત માર્ચ-22માં છેલ્લે રમતો જોવા મળ્યો હતો. 


'ગબ્બર' બાદ હવે ટીમ ઈન્ડિયાના આ 11 દિગ્ગજો સંન્યાસ લે તેવી શક્યતા, વાપસી થવી મુશ્કેલ! 2 - image


Google NewsGoogle News