સંન્યાસ બાદ હવે IPLના આ બે સ્ટાર ખેલાડીઓ લેશે રોહિત-વિરાટની જગ્યા: પીયૂષ ચાવલાની ભવિષ્યવાણી
Image: Facebook
Team India: જ્યારે એક વખત સચિન તેંડુલકરને એક ઈવેન્ટ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે તેના રેકોર્ડ્સ કોણ તોડી શકે છે તો તેણે વિરાટ કોહલી અને રોહિત શર્માનું નામ લીધું હતું. આ બંને ભારતીય ખેલાડીઓએ ક્રિકેટના મેદાન પર એકથી એક મોટા રેકોર્ડ તોડ્યા પરંતુ હવે તેમના રિટાયરમેન્ટનો સમય આવી ગયો છે. આ બંને સીનિયર પ્લેયર ટી20થી તો નિવૃત્તિ લઈ ચૂક્યા છે પરંતુ હજુ વનડે અને ટેસ્ટ રમી રહ્યાં છે. રોહિત શર્મા હવે 37 વર્ષનો થઈ ગયો છે અને નવેમ્બરમાં વિરાટ કોહલી 36 વર્ષનો થઈ જશે. હવે એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે તેમનું સ્થાન કોણ લઈ શકે છે. આ દરમિયાન દિગ્ગજ લેગ સ્પિનર પીયૂષ ચાવલાએ શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડનું નામ લીધું.
પીયૂષ ચાવલાને લાગે છે કે આગામી સમયમાં ગિલ અને ગાયકવાડ ભારતીય ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું સ્થાન લઈ શકે છે. જોકે ગાયકવાડ માટે આ સરળ હશે નહીં કેમ કે તે હજુ પણ ટીમમાં પોતાનું સ્થાન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
પીયૂષ ચાવલાએ કહ્યું, 'શુભમન ગિલ, કેમ કે જે રીતે તેની ટેકનિક છે, જ્યારે તમે થોડાં પણ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યાં હોવ તો જે બેટ્સમેન તકનીકી રીતે મજબૂત હોય છે, તે ખરાબ ફોર્મમાંથી ઝડપથી બહાર આવી જાય છે. તમે જુઓ કોઈ પણ બેટ્સમેન, જેની તકનીક સારી છે, તે ખૂબ લાંબા સમય સુધી ફોર્મમાંથી બહાર રહી શકતો નથી. તો મારા મતે નક્કીરીતે શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડ.'
2021માં ડેબ્યૂ કરનાર ઋતુરાજ ગાયકવાડે ભારત માટે અત્યાર સુધી 6 વનડે અને 23 ટી20 મેચ રમી છે જેમાં તેના નામે એક ટી20 સદી છે. તે સતત ટીમમાં પોતાનું સ્થાન બનાવી શક્યો નથી.
આ મુદ્દે ચાવલાએ કહ્યું, 'તે તો પાર્ટ એન્ડ પાર્સલ છે, તે તો ચાલતો જ રહેશે... પરંતુ તમે જુઓ તેને જ્યારે પણ તક મળે છે, તો તે આવીને કંઈક અલગ જ નજર આવે છે. તો મારા માટે આ બે પ્લેયર ખાસ છે.'