IND vs AUS: ટેસ્ટ સીરિઝ પહેલા રાહુલ પછી હવે સ્ટાર ખેલાડી પણ ઈજાગ્રસ્ત, પહેલી મેચમાં રમવું મુશ્કેલ!
Image: X
IND vs AUS: ભારતીય ક્રિકેટ ટીમ માટે ઓસ્ટ્રેલિયાથી દુ:ખદ સમાચાર છે. સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ ઈજાગ્રસ્ત થઈ ગયો છે. પર્થમાં ટીમ ઈન્ડિયાની મેચ સિમ્યુલેશન દરમિયાન તેને આ ઈજા પહોંચી. ઈજાના કારણે તેની 22 નવેમ્બરથી શરૂ થઈ રહેલી પહેલી ટેસ્ટમાં રમવું મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે. ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝ પહેલા 15 નવેમ્બરથી ત્રણ દિવસની મેચ સિમ્યુલેશન શરૂ કરી છે. આમાં પહેલા દિવસે બેટ્સમેનોએ પ્રેક્ટિસ કરી હતી. શુભમન ગિલ પહેલા દિવસનો સ્ટાર રહ્યો હતો અને તેણે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરી હતી. બીજા દિવસે ટીમ ઈન્ડિયાના બોલર્સની પ્રેક્ટિસ થઈ. જેમાં શુભેમન ગિલ ઈજાગ્રસ્ત થયો.
કહેવાઈ રહ્યું છે કે શુભમનને સ્લિપમાં કેચ લીધા દરમિયાન ઈજા પહોંચી. હજુ એ સ્પષ્ટ નથી કે તેની કઈ આંગળીમાં ઈજા પહોંચી છે અને આ કેટલી ગંભીર છે. તેની ઈજા પર ત્રણ દિવસ સુધી નજર રાખવામાં આવશે. મેડીકલ ટીમ તેની પર નજર રાખશે. તે બાદ પહેલી ટેસ્ટમાં રમવાને લઈને નિર્ણય કરવામાં આવશે. શુભમન ભારતની શક્યતાઓ માટે ખૂબ મહત્વનો છે. તે બીજી વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ રમશે. તે નંબર ત્રણ પર બેટિંગ કરે છે. જો તે બહાર થયો તો ભારત માટે મોટી સમસ્યા થઈ જશે.
કેએલ રાહુલ પહેલા દિવસે થઈ ગયો હતો ઈજાગ્રસ્ત
ભારત માટે બે દિવસમાં આ બીજો ઝટકો છે. મેચ સિમ્યુલેશનના પહેલા દિવસે કેએલ રાહુલને ઈજા પહોંચી હતી. તેને બેટિંગ કરતી વખતે ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાની બોલથી કોણી પર ઈજા પહોંચી હતી. જે બાદ તે બેટિંગ છોડીને જતો રહ્યો હતો. તે બીજી વખત બેટિંગ માટે આવ્યો નહીં. રાહુલે બીજા દિવસે પણ બેટિંગ કરી નહીં.
આ પણ વાંચો: વિરાટમાં હવે પહેલા જેવી વાત નથી રહી, આઉટ નહીં થાય ખભાથી ધક્કો મારીશ: ઑસ્ટ્રેલિયન ખેલાડીઓની ચીમકી
સરફરાઝ ખાનને પણ પહોંચી હતી ઈજા
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ શરૂ થયા પહેલા જ ઈજાની સમસ્યાથી ઝઝૂમી રહી છે. સરફરાઝ ખાન પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જોકે, આ વધુ ગંભીર નહોતી. તેણે મેચ સિમ્યુલેશનના પહેલા દિવસે ફીલ્ડિંગ કરી હતી. ભારતે પર્થ ટેસ્ટ પહેલા ઈન્ડિયા એ સામે વોર્મ અપ મેચને રદ કરીને મેચ સિમ્યુલેશનને પ્રાથમિકતા આપી હતી.