'સબ ખતમ હો ગયા...' ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાની કેપ્ટનનું દર્દ છલકાયું
Image: Facebook
IND vs PAK: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની એક બ્લોકબસ્ટર મેચમાં ભારતે પાકિસ્તાનને છ વિકેટથી હરાવી દીધું. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમને જીત માટે 242 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને તેણે વિરાટ કોહલીની દમદાર સદીના કારણે સરળતાથી પ્રાપ્ત કરી લીધો. ભારતીય ટીમ આ જીતની સાથે સેમિફાઈનલમાં પહોંચવાની નજીક પહોંચી ચૂકી છે.
રિઝવાનનું દર્દ છલકાયું... કોહલીની ખૂબ પ્રશંસા કરી
મેચમાં હાર બાદ પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ રિઝવાન ખૂબ નિરાશ નજર આવ્યો. રિઝવાને કહ્યું કે 'અમારી ટીમ માટે હવે કંઈ વધ્યું નથી અને અમારી ટીમનું અભિયાન એક રીતે ખતમ થઈ ગયું છે. રિઝવાને વિરાટ કોહલીના ખૂબ વખાણ કર્યાં. કોહલીની ફિટનેસ અને શિસ્ત વખાણવા લાયક છે.
આ પણ વાંચો: VIDEO : શાહીન આફ્રિદીનો કોન્ફિડન્સ તો જુઓ, DRSનો નિર્ણય લેવા બદલ મજાક ઊડી
મોહમ્મદ રિઝવાને કહ્યું, 'અમે કહી શકીએ છીએ કે અમારું અભિયાન લગભગ ખતમ થઈ ગયું. અમારે બીજી મેચના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. એક મેચ બાકી છે. એક કેપ્ટન તરીકે મને આવી સ્થિતિ પસંદ નથી. અમારું નસીબ અમારા હાથમાં હોવું જોઈતું હતું.' તેણે વિરાટ કોહલીને જીતનો શ્રેય આપ્યો. તે આટલી મહેનત કરે છે જેને જોઈને હું આશ્ચર્યચકિત છું. સમગ્ર દુનિયા કહી રહી હતી કે તે ફોર્મમાં નથી પરંતુ આટલી મોટી મેચમાં આટલા આરામથી રન બનાવ્યા. તેની ફિટનેસ અને શિસ્ત વખાણવા લાયક છે. અમે તેને આઉટ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ કરી શક્યા નહીં. અમે આ પરિણામથી નિરાશ છીએ. અમે તમામ વિભાગોમાં ભૂલો કરી અને વચ્ચેની ઓવરોમાં વિકેટ લઈ શક્યા નહીં. અમે ટોસ જીત્યો પરંતુ ટોસનો ફાયદો મળ્યો નહીં. અમને લાગ્યું કે આ પિચ પર 280 નો સ્કોર સારો રહેશે. વચ્ચેની ઓવરોમાં તેમના બોલર્સોએ ખૂબ સારી બોલિંગ કરી અને અમારી વિકેટ લીધી. મે અને સાઉદ શકીલે ટાઈમ લીધો કેમ કે અમે આને ડીપ સુધી લઈ જવા ઈચ્છતાં હતાં. ખરાબ શોટ સિલેક્શનમાં અમને દબાણમાં નાખી દીધા અને તેથી અમે 240 પર સમેટાઈ ગયા. જ્યારે પણ તમે હારો છો, તેનો અર્થ એ છે કે તમે તમામ વિભાગોમાં સારું પ્રદર્શન કર્યું નથી. અમે તેમની પર પ્રેશર બનાવવા ઈચ્છતાં હતાં, પરંતુ અમે આવું કરી શક્યાં નહીં. અબરારે અમને એક વિકેટ આપી પરંતુ બીજી વખત તેમના બાકી બોલર્સ સારું રમ્યા. વિરાટ કોહલી અને શુભમન ગિલે રમતને અમારાથી ખૂબ દૂર કરી દીધી. આપણે આપણી ફીલ્ડિંગમાં પણ સુધારો કરવાની જરૂર છે.'
રોહિતે જીત પર કહી આ વાત
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, 'અમે બોલથી શાનદાર શરૂઆત કરી. અમે જાણતાં હતાં કે વિકેટ ધીમી થઈ શકે છે, તેમને આ પ્રકારના સ્કોર પર રોકવા બોલિંગ યુનિટનો શાનદાર પ્રયત્ન હતો. તેનો શ્રેય કુલદીપ, અક્ષર, જાડેજાને જાય છે. શમી, હાર્દિક, હર્ષિતે પણ જે રીતે બોલિંગ કરી, તેણે ભૂલવી જોઈએ નહીં. સમગ્ર ટીમે સારું પ્રદર્શન કર્યું. હું એ જાણવાનો પ્રયત્ન કરું છું કે બેટ્સમેનો માટે સૌથી વધુ પરેશાની કોણ ઊભી કરી રહ્યું છે અને પછી નિર્ણય લઉં છું. વિરાટને દેશનું પ્રતિનિધિત્વ કરવાનું પસંદ છે. વિરાટ તે જ કરે છે. તે સૌથી સારું કરે છે. ડ્રેસિંગ રૂમમાં બેઠેલા લોકો તેના પ્રદર્શનથી ચોંક્યા નથી.'