'ઓસ્ટ્રેલિયા જઈશ કે નહીં તેની મને નથી ખબર', ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ બોલ્યો રોહિત શર્મા
Rohit Sharma : રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે ઘરઆંગણે 3 મેચની ટેસ્ટ સીરિઝમાં પહેલી વખત ન્યૂઝીલેન્ડના હાથે ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. 24 વર્ષ બાદ ભારતીય ટીમ ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ હારી હતી. અગાઉ વર્ષ 2000માં દક્ષિણ આફ્રિકાએ ભારતને 2 મેચની ટેસ્ટ સીરિઝમાં 2-0થી હરાવ્યું હતું. હવે પછી ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. જેમાં 5 ટેસ્ટ મેચ રમાશે. આ ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં પોતે રમશે કે નહીં તે અંગે રોહિતે જણાવ્યું હતું.
મને ખબર નથી કે હું જઈશ કે નહીં!
જ્યારે રોહિતને પૂછવામાં આવ્યું કે, શું તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પહેલી ટેસ્ટમાં રમશે કે નહીં? તો તેણે સ્પષ્ટ જવાબ આપતા કહ્યું હતું કે, 'અત્યારે મને ખબર નથી કે હું જઈશ કે નહીં! પરંતુ ચાલો જોઈએ કે શું થાય છે.' ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં રમાયેલા ખરાબ શોટ અંગે રોહિત શર્માએ કહ્યું કે, મેં આ ટેસ્ટ સીરિઝ દરમિયાન ઘણાં ખરાબ શોટ રમ્યા છે, પરંતુ મને તેનો અફસોસ નથી. કારણ કે મને અગાઉ પણ આ જ શોટ્સથી સફળતા મળી છે. હું કબૂલ કરું છું કે આ સીરિઝમાં અમારું પ્રદર્શન સારું ન હતું.'
સિનિયર્સ રન નથી બનાવી રહ્યા તે ચિંતાનો વિષય
રોહિત શર્માએ કહ્યું કે, 'મેં મારા ડિફેન્સમાંથી આત્મવિશ્વાસ ગુમાવ્યો નથી. મારે ત્યાં વધુ સમય વિતાવવાની જરૂર છે. મેં છેલ્લી બે ઝીરીઝમાં સારી બેટિંગ કરી નથી. હું મારી રમત પર ફરીથી વિચાર કરીશ. અને એક બેટર તરીકે હું શું કરી શકું છું અને તેની સાથે હું મારી જાતને સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છું. જ્યારે સિનિયર્સ રન નથી બનાવી રહ્યા તે ચિંતાનો વિષય છે. અમારી પાસે હવે ઓસ્ટ્રેલિયામાં કંઈક ખાસ કરવાનો મોકો છે. હવે અમે આના પર ધ્યાન કેન્દ્રિત કરીશું.'