ઑસ્ટ્રેલિયા સામે પરાજય થતાં જ ભારતને મોટો ઝટકો: WTCમાં નંબર-1નો તાજ છીનવાયો, જુઓ પોઈન્ટ ટેબલ
WTC Points Table Latest Update : ઓસ્ટ્રેલીયા સામેની પહેલી ટેસ્ટમાં 295 રનની જીત મેળવ્યા બાદ ભારતીય ટીમના બેટરોએ એડિલેડમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. રોહિત શર્માની વાપસીથી બધાને વિશ્વાસ હતો કે ટીમ સારું પ્રદર્શન કરશે, પરંતુ પૂરી ટીમ ઓસ્ટ્રેલીયન બોલરો સામે તાકી શકી ન હતી. યશસ્વી પહેલી ઇનિંગમાં ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. આ પછી કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી બધાએ સસ્તામાં વિકેટ ગુમાવી દીધી હતી.
ત્યારબાદ નીતીશ રેડ્ડીએ બેટ વડે 42 રનની ઇનિંગ રમી અને ટીમનો સ્કોર 180 રન સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ કાંગારૂ ટીમે પહેલી ઇનિંગમાં 337 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડે ફરીથી ભારતીય બોલરોને હંફાવી દીધા હતા. બીજી ઇનિંગમાં પણ ભારતીય ટીમનો ટોપ બેટિંગ ઓર્ડર ફ્લોપ રહ્યો હતો. અને કાંગારૂ ટીમે 10 વિકેટે મેચ જીતી લીધી હતી.
ભારતે નંબર-1નો તાજ ગુમાવ્યો
રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ બાદ પાંચ મેચની ટેસ્ટ સીરિઝ હવે 1-1 થી બરાબર થઈ ગઈ છે. એડિલેડ ટેસ્ટ પછી WTC(World Test Championship) પોઈન્ટ્સ ટેબલમાં મોટો ફેરફાર થયો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે ભારત પાસેથી નંબર-1નો તાજ છીનવી લીધો હતો. કાંગારૂ ટીમ 60.71 ટકા માર્ક્સ સાથે પહેલો સ્થાને પહોંચી છે.
તો બીજી ટેસ્ટમાં ભારતીય ટીમને મળેલી કારમી હારની સાથે WTC પોઈન્ટ્સ ટેબલ ટીમને મોટું નુકસાન થયું છે. ભારતીય ટીમે પોતાનું વર્ચસ્વ ગુમાવી દીધું છે. અને ટોપ-2માંથી પણ બહાર થઈ ગઈ છે. આ હાર સાથે ભારતીય ટીમ 57.29 ટકા માર્ક્સ સાથે ત્રીજા સ્થાને સરકી ગઈ છે. દક્ષિણ આફ્રિકા 59.26 ટકા માર્ક્સ સાથે બીજા સ્થાને છે.
હજુ પણ ભારત WTC ફાઈનલમાં પહોંચી શકે
ભારતે ટેસ્ટ હાર્યા બાદ WTC ફાઈનલમાં પહોંચવાની રેસ રોમાંચક બની ગઈ છે. ભારત પાસે હજુ પણ WTC ફાઇનલમાં પહોંચવાની તક છે. કારણ કે સીરિઝમાં હજુ 3 મેચ બાકી છે. આ સ્થિતિમાં જો ભારતીય ટીમ સીરિઝની બાકીની ત્રણ મેચ જીતી લે છે તો તે સીરિઝ 4-1થી જીતી લેશે. જો આવું થશે તો ભારતીય ટીમનો PCT(Points Percentage System) 64.03 પર પહોંચી જશે.
આ પણ વાંચોઃ 'મને આ પ્રકારની રમત નથી ગમતી..' DSP સિરાજ સાથેની 'બબાલ' પર કાંગારુ બેટરે તોડ્યું મૌન
આ રીતે થશે ભારતને ફાયદો
આ સિવાય દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં શ્રીલંકા હારી જશે તો આ બંને દેશો વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝ ડ્રો થશે અને તેનો ફાયદો ભારતને થશે. અને બીજી તરફ ભારતીય ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફી 3-2 થી જીતી લે છે, તો તેના 134 પોઈન્ટ અને ટકાવારી પોઈન્ટ 58.7 થશે, પરંતુ ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકામાં વધુ 2 ટેસ્ટ મેચ રમવાની છે, જેથી કરીને ઓસ્ટ્રેલિયા 126 પોઈન્ટ અને 55.26 PCT સાથે સૌથી શ્રેષ્ઠ સ્થિતિમાં હશે.