મને લાગ્યું કે હવે મને ક્યારેય મોકો નહીં મળે...', તોફાની સદી બાદ સંજુ સેમસન શું બોલ્યો, જુઓ
IND Vs BAN 3rd T20I, Sanju Samson : ગઈ કાલે બાંગ્લાદેશ સામેની છેલ્લી T20I મેચમાં બેટર અને વિકેટકીપર સંજુ સેમસને વિસ્ફોટક બેટિંગ કરી હતી. સંજુ સેમસને માત્ર 40 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.
પરંતુ આ મેચ પહેલા તેને લઈને ઘણી વાતો ચાલી રહી હતી કે આ તેની T20I કારકિર્દીની છેલ્લી મેચ હોઈ શકે છે. આ વાત સંજુ સેમસન પણ જાણતો હતો. કારણ કે તેણે પોતે સ્વીકાર્યું હતું કે, 'જ્યારે છેલ્લે હું શ્રીલંકા સામે બે વખત શૂન્ય પર આઉટ થઇ ગયો હતો, ત્યારે મને પણ લાગ્યું હતું કે હવે મને કદાચ ભારતીય ટીમ માટે રમવાની તક નહીં મળે.'
સંજુ સેમસને મેચ બાદ કહ્યું જતું કે, 'જેમ કે શ્રીલંકા સામેની મેચમાં બે વખત શૂન્ય પર આઉટ થયા પછી, મને શંકા હતી કે, શું મને હવે રમવાની તક મળશે? માનસિક રીતે તમે એક ભારતીય ક્રિકેટર તરીકે તમે ઘણું કરો છો. ખાસ કરીને આ ફોર્મેટમાં, જ્યાં એક બેટર તરીકે સફળતાઓ કરતાં વધુ નિષ્ફળતાઓ છે, અહીં તમારે સતત આક્રમક રહેવું પડે છે, અને સ્કોરિંગ કરવાના વિકલ્પો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. જયારે જોખમ વધારે હોય છે, ત્યારે અસફળતાઓ પણ વધારે મળે છે.'
પોતાના પર વિશ્વાસ મૂકવા માટે સંજુ સેમસને ટીમ મેનેજમેન્ટને શ્રેય આપતા કહ્યું કે, 'કેપ્ટન અને કોચે મને દરેક રીતે સમર્થન આપ્યું છે. આગામી સીરિઝ માટે પણ તેઓએ મને સમર્થન આપ્યું છે, અને તેમણે કહ્યું કે, અમે તને સમર્થન આપતા રહીશું, પછી ભલે ગમે તે હોય. મને લાગે છે કે એક બેટિંગના જૂથ તરીકે અમે દરેક વિપક્ષી ટીમ પર હાવી થવા માટે તૈયાર છીએ.'
મેચમાં ઓપનિંગ કરવા અંગે સેમસને જણાવ્યું હતું કે, 'સીરિઝના ત્રણ અઠવાડિયા પહેલા મને ટીમ મેનેજમેન્ટ તરફથી સંદેશ મળ્યો કે, હું મેચમાં ઓપનિંગ કરીશ. જેના કારણે મને યોગ્ય રીતે તૈયારી કરવાનો સમય મળ્યો હતો. તેથી હું RR એકેડમીમાં પાછો ગયો અને નવા બોલ સાથે ઘણી પ્રેક્ટીસ કરી હતી. તેનાથી મને મદદ મળી કે હું અન્ય સીરિઝ કરતાં 10 ટકા વધુ તૈયાર હતો'