IND vs AUS : 'કોઈ બહાનું નહીં ચાલે...', બીજી ટેસ્ટમાં પરાજય બાદ ભડક્યો રોહિત શર્મા
IND Vs AUS, Rohit Sharma : ઓસ્ટ્રેલીયા સામે ભારતને બીજી ટેસ્ટ માં 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ સીરિઝમાં એક પોઈન્ટની બરાબરી કરી લીધી છે. બીજી ટેસ્ટમાં ભારતની હાર બાદ ટીમનો કેપ્ટન રોહિત શર્મા નિરાશ છે. હાર બાદ રોહિતે શર્માએ કહ્યું હતું કે, 'એક સમયે અમે ટેસ્ટમાં પુનરાગમન કરી શક્યા હોત પરંતુ અમે મેદાન પર કરેલી કેટલીક ભૂલો કરી હતી, જેની અમારે ભારે કિંમત ચૂકવવી પડી હતી. અમે સારી બેટિંગ કરી ન હતી અને કેચ પણ પકડી શક્યા ન હતા. મને લાગે છે કે આ જ હારમુ સૌથી મોટું કારણ હતું.'
તકોનો લાભ લેવામાં નિષ્ફળ ગયા અમે
પોતાની વાતને આગળ વધારતા રોહિતે કહ્યું, 'આ ટેસ્ટ મેચ અમારા માટે નિરાશાજનક રહી હતી, અમે સારું ન રમ્યા અને ઑસ્ટ્રેલિયાએ અમારા કરતાં સારું રમ્યું હતું. અમે તકોનો લાભ લેવામાં નિષ્ફળ ગયા. અમે પર્થમાં જે કંઈ કર્યું તે ખાસ હતું. અમે ફરીથી એવું જ પ્રદર્શન કરવા ઇચ્છતા હતા. પરંતુ દરેક ટેસ્ટ મેચનો પોતાનો એક પડકાર હોય છે. હવે અમે આગામી ગાબા ટેસ્ટને લઈને ઉત્સાહિત છીએ. અમે તે ટેસ્ટમાં સારી શરૂઆત કરવા માંગીએ છીએ અને સારું રમીશું.'
અમે કોઈ બહાનું બનાવવા માંગતા નથી
બેટરો અંગે વાત કરતા રોહિતે કહ્યું હતું કે, 'પીચ બેટરો યોગ્ય જ હતી, અમે કોઈ બહાનું બનાવવા માંગતા નથી, અમારા બેટરોએ સારું રમ્યા નથી. અમે સારી બેટિંગ કરી નથી અને અમે તે જાણીએ છીએ. બેટરો સખત મહેનત કરી રહ્યા છે પરંતુ ક્યારેક તમારી સાથે આવું થાય છે. અમે પ્રેક્ટિસમાં ખૂબ જ સખત બેટિંગ કરી રહ્યા છીએ. અમે અમારી તરફથી સખત મહેનત કરી રહ્યા છીએ. અમે ભવિષ્યમાં તેને સુધારવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.'
સિરાજ અને ટ્રેવિસ હેડ વિશે રોહિતે આપી પ્રતિક્રિયા
કેપ્ટન રોહિત શર્માએ સિરાજ અને હેડ વચ્ચે થયેલી બોલાચાલી પર પ્રતિક્રિયા આપી હતી. રોહિતે કહ્યું, 'મને ખબર નથી કે શું થયું હતું. બંને ટીમો જીતવા માટે રમી રહી હતી. આવી બાબતો બનતી રહે છે. અમે ટ્રેવિસને આઉટ કરવા માંગતા હતા અને સામે ટ્રેવિસ પણ બોલરો સામે શાનદાર રમી રહ્યો હતો. જ્યારે ટ્રેવિસ આઉટ થયો ત્યારે તેણે ઉજવણી કરી હતી. હા, બંને વચ્ચે થોડી વાતચીત થઈ હતી પરંતુ હું સ્લિપમાં ઊભો હતો, તેથી તેમની વચ્ચે શું ચર્ચા થઈ તે વિશે મને વધુ ખબર નથી.'
શમી માટે હંમેશા ભારતીય ટીમના દરવાજા ખુલ્લા- રોહિત
શમી વિશે વાત કરતા રોહિતે કહ્યું, 'અમે તેને જોઈ રહ્યા છીએ. અમે સાવધાની સાથે આગળ વધવા માંગીએ છીએ. શમી ટીમ માટે એક મહત્ત્વપૂર્ણ બોલર છે. અમે ઈચ્છીએ છીએ કે તે સો ટકા ફિટ હોય ત્યારે જ તે ટીમમાં આવી શકે. અમે તેના પર દબાણ નથી આપી રહ્યા. NCAના એવા લોકો તેની ફિટનેસ તપાસી રહ્યા છે. ભારતીય ટીમના દરવાજા તેના માટે હંમેશા ખુલ્લા છે.'
ઓસ્ટ્રેલિયાએ મેળવી સરળતાથી જીત
પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ 295 રનથી હારી ગયેલી ઓસ્ટ્રેલિયન ટીમે બીજી ટેસ્ટમાં મેળવેલી જીત સાથે સીરિઝ 1-1થી બરાબર કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાને મળેલા 19 રનના ટાર્ગેટને દિવસના પહેલા સેશનમાં જ 3.2 ઓવરમાં કોઈ પણ નુકશાન વિના હાંસલ કરી લીધો હતો. પહેલી ઇનિંગમાં 157 રનની લીડ લીધા બાદ ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં ભારતને માત્ર 175 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.