મને આ બધામાં થોડી શરમ આવે છે...: કોહલીના પત્રના જવાબમાં એબી ડિવિલિયર્સે જુઓ શું કહ્યું
AB De Villiers Responds To Virat Kohli's Congratulatory Letter : તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના મહાન ક્રિકેટર એબી. ડી. વિલિયર્સને ઈંગ્લેન્ડના ક્રિકેટર એલિસ્ટર કૂક અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ ખેલાડી નીતુ ડેવિડ સાથે 'ICC હોલ ઓફ ફેમ'માં સામેલ કરવામાં આવ્યા છે. ICC હોલ ઓફ ફેમમાં સામેલ થયા પછી ડી વિલિયર્સના સારા મિત્ર વિરાટ કોહલીએ તેમના માટે એક હૃદયસ્પર્શી નોટ લખી છે.
જેમાં તેણે કહ્યું કે, 'હોલ ઓફ ફેમ એ ક્રિકેટ પર તમે જે અસર કરી છે તેનું પ્રતીક છે. અને તેમાં તમારું યોગદાન અનન્ય છે. લોકો હંમેશા તમારી પ્રતિભા વિશે વાત કરે છે. તમે સૌથી પ્રતિભાશાળી ખેલાડી છો જેની સાથે હું રમ્યો છું. તમે નંબર વન છો.' હવે ડી વિલિયર્સે વિરાટ કોહલીના આ પત્રનો જવાબ આપ્યો છે.ડી વિલિયર્સે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે આ સન્માન માટે ICCનો આભાર માન્યો હતો. અને કોહલીના પત્ર પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ પત્રથી હું ગર્વની લાગણી અનુભવી રહ્યો છું. તમારા સમર્થન માટે હું તમારા બધાનો આભાર માનું છું. અને ખાસ કરીને ICCનો આભાર વ્યક્ત કરું છું. આ મારા માટે બહુ મોટું સન્માન છે. હું આ બાબતો વિશે થોડો શરમાળ છું, તેથી હું વધુ નથી કહેતો પરંતુ આ મારા માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે. અને તે મને આ સ્થાન સુધી પહોંચવા માટે કરેલી મહેનતની યાદ અપાવે છે.'
આ પણ વાંચો : ફરી ઈજાગ્રસ્ત થયો ટીમ ઈન્ડિયાનો આ ઝડપી બોલર, ટેસ્ટ ડેબ્યૂની શક્યતાઓને ઝટકો
કોહલીના પત્ર વિશે ડી વિલિયર્સે કહ્યું કે, 'આ મારા માટે ખાસ છે. ખાસ કરીને વિરાટના શબ્દો પર મને ગર્વ છે. વિરાટે મારા વિશે લખ્યું કે, મેં હંમેશા ટીમને પહેલા રાખી છે. હું હંમેશા ટીમ માટે કંઈક કરવા માટે તૈયાર રહું છું. હું એવું ઇચ્છું છું કે, લોકો મને મારા આંકડા પરથી નહીં, પરંતુ એક ખેલાડી તરીકે યાદ રાખે, કે જેણે ટીમને પ્રાથમિકતા આપી. મને આનો ગર્વ છે અને આ મારી ક્રિકેટની ઓળખ છે.'
એબી. ડી. વિલિયર્સે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ટેસ્ટ અને વનડેમાં તેની સરેરાશ 50 થી વધુ છે. અને તેણે 20,014 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. જે દક્ષિણ આફ્રિકાના જેક કાલિસ કરતા ઓછા છે.