Get The App

હું જ્યારે પણ ભારતની જર્સી પહેરું ત્યારે...: 300 વિકેટનો રેકૉર્ડ બનાવ્યા બાદ રવિન્દ્ર જાડેજા

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
હું જ્યારે પણ ભારતની જર્સી પહેરું ત્યારે...: 300 વિકેટનો રેકૉર્ડ બનાવ્યા બાદ રવિન્દ્ર જાડેજા 1 - image

Ravindra Jadeja : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુર ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે અનેક રેકોર્ડ બન્યા હતા. જેમાં એક રેકોર્ડ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ બનાવીને ઈતિહાસ રચી દીધો હતો. તે હવે 300 ટેસ્ટ વિકેટ અને 3000 ટેસ્ટ રન કરનાર ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. આ સિદ્ધિ હાંસલ કર્યા પછી જાડેજાએ એક નિવેદન આપ્યું છે, જે હાલમાં ખૂબ ચર્ચામાં છે.

હું ભારતીય જર્સી પહેરું છું ત્યારે.....

જાડેજાએ કહ્યું હતું કે, ‘આ મારા માટે ખૂબ જ ખાસ પળ છે. હું 10 વર્ષથી ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો છું, અને આખરે હું અહીં સુધી પહોંચી ગયો છું. હું મારી જાત પર ગર્વ અનુભવી રહ્યો છું. જ્યારે પણ હું ભારતીય જર્સી પહેરું છું ત્યારે હું ખૂબ ઉત્સાહિત અને ખુશ હોઉં છું. બધા કહેતા હતા કે હું વ્હાઈટ બોલ સ્પેશિયાલિસ્ટ છું. પરંતુ મેં રેડ બોલ સાથે પણ સખત મહેનત કરી અને આખરે બધી મહેનત રંગ લાવી. મેં એક યુવા ખેલાડી તરીકે વ્હાઈટ બોલ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું, અને ધીમે ધીમે મેં છેલ્લા કેટલાક વર્ષોમાં મારી રમતમાં સુધારો કર્યો છે, જે મને ખૂબ ફાયદાકારક નીવડ્યો છે.'

આ પણ વાંચો : રવિન્દ્ર જાડેજાની વધુ એક સિદ્ધિ, ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ ઝડપનાર 7મો ભારતીય બોલર બન્યો

રવિન્દ્ર જાડેજાની બેવડી સિદ્ધિ

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ બેટર ખાલિદ અહમદને આઉટ કરીને પોતની કારકિર્દીની 300મી ટેસ્ટ વિકેટ લીધી હતી. જાડેજા કપિલ દેવ અને રવિચંદ્રન અશ્વિન પછી ટેસ્ટમાં 3000 રન અને 300 વિકેટની બેવડી સિદ્ધિ મેળવનાર ત્રીજો ભારતીય બની ગયો છે.

આ સિદ્ધિ હાંસલ કરનાર જાડેજા સૌથી ઝડપી એશિયન અને બીજા સૌથી ઝડપી ઓવરઓલ ખેલાડી પણ બની ગયો છે. આ યાદીમાં જાડેજા માત્ર ઈંગ્લેન્ડના મહાન ક્રિકેટર ઈયાન બોથમથી જ પાછળ છે. આ સિવાય જાડેજાની 300 ટેસ્ટ વિકેટ લેનાર 7મો ભારતીય બોલર પણ બન્યો છે.

હું જ્યારે પણ ભારતની જર્સી પહેરું ત્યારે...: 300 વિકેટનો રેકૉર્ડ બનાવ્યા બાદ રવિન્દ્ર જાડેજા 2 - image


Google NewsGoogle News