સ્ટાર ખેલાડીઓને તગેડી મૂક્યા બાદ પાકિસ્તાની ટીમનું ભાગ્ય ચમક્યું, 4 વર્ષે ઘરઆંગણે શ્રેણી જીતી
PAK Vs ENG, Pakistan Cricket Team Won Test Series : હાલમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાને 9 વિકેટે મેચ જીતી લીધી હતી. મેચના ત્રીજા દિવસે પાકિસ્તાનને જીતવા માટે 36 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે પાકિસ્તાની ટીમે સરળતાથી હાંસલ કરી લીધો હતો. આ દરમિયાન પાકિસ્તાનની એકમાત્ર વિકેટ સૈમ અયુબના રૂપમાં પડી હતી. આ જીત સાથે પાકિસ્તાને ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ 2-1થી જીતી લીધી હતી.
4 વર્ષ બાદ પાકિસ્તાને ઘરઆંગણે જીતી ટેસ્ટ સીરિઝ
પાકિસ્તાની ક્રિકેટ ટીમે વર્ષ 2021 પછી પહેલીવાર ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ જીતી હતી. સાથે જ નવેમ્બર 2015 પછી ઇંગ્લેન્ડ સામે પાકિસ્તાને પહેલી વખત ટેસ્ટ સીરિઝમાં વિજય મેળવ્યો હતો. આવું બીજીવાર જ થયું છે કે જ્યારે પાકિસ્તાને પહેલો ટેસ્ટ હાર્યા બાદ 3 મેચની ટેસ્ટ સીરિઝમાં જીત મેળવી હોય. આ પહેલા વર્ષ 1995માં ઝિમ્બાબ્વે સામે આવું થયું હતું. પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની સીરિઝની પહેલી બે મેચ મુલતાનમાં રમાઈ હતી. જેમાં પહેલી ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો એક ઇનિંગ અને 47 રને વિજય થયો હતો. પાકિસ્તાને બીજી ટેસ્ટ મેચ 152 રને જીતી લીધી હતી.
મેચમાં પાકિસ્તાની બોલરોએ કર્યું શાનદાર પ્રદર્શન
આ મેચમાં ઈંગ્લેન્ડની બીજી ઇનિંગ માત્ર 112ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ માટે બીજી ઈનિંગમાં જો રૂટે સૌથી વધુ 33 રન અને હેરી બ્રુકે 26 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ડાબોડી સ્પીનર નોમાન અલીએ 6 વિકેટ ઝડપી હતી. જ્યારે ઓફ સ્પિનર સાજિદ ખાને ચાર વિકેટ મેળવી હતી. બીજી રીતે જોઈએ તો મેચમાં સાજિદ ખાને 10 અને નોમાન અલીએ 9 વિકેટ ઝડપી હતી.
શકીલ બન્યો 'પ્લેયર ઓફ ધ મેચ'
ઇંગ્લેન્ડની ટીમે મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 267 રણ બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનના સઉદ શકીલે સદી ફટકારીને ટીમનો સ્કોર 344 સુધી લઇ ગયો હતો. પહેલી ઇનિંગના આધાર પર પાકિસ્તાનને 77 રનની લીડ મળી હતી. શકીલે 223 બોલનો સામનો કરીને 134 રણ બનાવ્યા હતા. જેમાં પાંચ ચોગ્ગા સામેલ છે. શકીલને 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ આપવામાં આવ્યો હતો.
મેચનો સ્કોર
ઈંગ્લેન્ડઃ પહેલી ઇનિંગ : 267 રન, બીજી ઈનિંગ : 112 રન
લક્ષ્ય : 36 રન
પાકિસ્તાન : પહેલી ઇનિંગ 344 રન, બીજો દાવ : 37/1