'ઊંચાઈએ આકાશ': પિતા-ભાઈને ગુમાવ્યા, આર્થિક સંકળામણને કારણે છોડ્યું ક્રિકેટ, હવે કર્યું ડેબ્યૂ
આકાશ દીપને ત્રણ વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું.
Akash Deep Cricket Career: પશ્ચિમ બંગાળના ફાસ્ટ બોલર આકાશ દીપે ઈંગ્લેન્ડ સામે રાંચીમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ 27 વર્ષીય ખેલાડીએ પાંચ ટેસ્ટ મેચની સીરિઝની ચોથી મેચમાં એન્ટ્રી કરતાની સાથે જ કમાલ કરી દીધા છે. આકાશ દીપે ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં પ્રથમ ત્રણ વિકેટ ઝડપી હતી. આકાશને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની જગ્યાએ રમવાની તક મળી છે. આકાશ દીપે કેપ્ટન રોહિત શર્માના વિશ્વાસને સાચો સાબિત કર્યો અને યાદગાર પ્રદર્શન આપ્યું.
આકાશ દીપે પિતા અને ભાઈને ગુમાવ્યા
આકાશ દીપનો પરિવાર બિહારના સાસારામમાં રહેતો હતો. નોકરીની શોધમાં તે સાસારામથી પશ્ચિમ બંગાળના દુર્ગાપુર આવ્યો હતો. તેમના કાકાની મદદથી તેમને અહીં નોકરી મળી. આ દરમિયાન આકાશ દીપે લોકલ ક્રિકેટ એકેડમીમાં તાલીમ પણ શરૂ કરી હતી, પરંતુ તેમની ક્રિકેટ સફર એટલી સરળ ન હતી. થોડા સમય પછી આકાશ દીપના પિતાને સ્ટ્રોક આવ્યો જેના કારણે તેમનું મૃત્યુ થયું. બે મહિના પછી આકાશ દીપના મોટા ભાઈનું પણ અવસાન થયું હતું.
આકાશ દીપને ક્રિકેટથી દૂર રહેવું પડ્યું
પિતા અને ભાઈના અવસાન પછી માતાની જવાબદારી આકાશ દીપ પર આવી ગઈ હતી. ઘરમાં કમાનાર કોઈ ન હતું. આ કારણોસર આકાશ દીપને ત્રણ વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. બાદમાં આકાશ દીપ થયું કે ક્રિકેટ જ તેમનું જીવન છે.
આકાશ દીપે હાર ન સ્વીકારી
આકાશ દીપ ફરી એકવાર દુર્ગાપુર એકેડમીમાં જોડાયો અને પહેલા બંગાળની અંડર-23 ટીમમાં તક મળી હતી. આકાશ દીપ દુર્ગાપુરથી કોલકાતા ગયો અને ભાડાના મકાનમાં રહેવા લાગ્યો. થોડા સમય બાદ તેમને રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કરવાની તક મળી. આકાશ દીપની કારકિર્દીને વેગ મળ્યો જ્યારે તેને આઈપીએલમાં આરસીબી દ્વારા પસંદ કરવામાં આવ્યો. વર્ષ 2022માં આકાશદીપને RCBએ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. અત્યાર સુધીમાં તેમણે આ ટીમ માટે 7 મેચ રમી છે જેમાં તેમણે છ વિકેટ ઝડપી છે. આઈપીએલથી જ આકાશ દીપ ઈન્ડિયા Aમાં પહોંચ્યો અને પછી તેમને સિનિયર ટીમમાં તક મળી.
આકાશ દીપની કારકિર્દી
આકાશ દીપ અત્યારે 27 વર્ષનો છે. તેમનો જન્મ 15 ડિસેમ્બર 1996ના રોજ બિહારમાં થયો હતો. આકાશ દીપે વર્ષ 2019માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટથી ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તેમણે 30 ફર્સ્ટ ક્લાસ મેચમાં 104 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેમની એવરેજ 23.58 રહી છે. જ્યારે લિસ્ટ Aમાં તેણે 28 મેચ રમીને 42 વિકેટ પોતાના નામે કરી છે.