બાબર-શાહીન બહાર ફેંકાતા જ પાકિસ્તાનનું ભાગ્ય બદલાયું, 1348 દિવસ બાદ ઘરઆંગણે જીત મળી
PAK Vs ENG : તાજેતરમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝની બીજી મેચ મુલતાન ખાતે રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાનની ટીમે 152 રનથી જીતી મેળવી હતી. યજમાન પાકિસ્તાને ઇંગ્લેન્ડને જીતવા માટે 297 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેનો પીછો કરતા ઇંગ્લિશ ટીમ રમતના ચોથા દિવસે માત્ર 144 રનમાં સમેટાઈ ગઈ હતી. આ જીત સાથે પાકિસ્તાની ટીમે ત્રણ મેચની સીરિઝમાં 1-1ની બરાબર કરી લીધી છે. હવે સીરિઝની છેલ્લી ટેસ્ટ મેચ 24 ઓક્ટોબરથી રાવલપિંડીમાં રમાશે.
ટેસ્ટ ક્રિકેટમાં 1348 દિવસ પછી ઘરઆંગણે પાકિસ્તાનની ટીમે જીત હાંસલ કરી છે. છેલ્લે ટીમે ઘરઆંગણે 2021માં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં વિજય મેળવ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનની ટીમે 11 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તેણે 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે 12મી ટેસ્ટ મેચમાં ટીમને જીત મળી છે.
પાકિસ્તાને આ મેચ માટે બાબર આઝમ, શાહીન આફ્રિદી અને નસીમ શાહને આરામ આપ્યો હતો. પાકિસ્તાનની આ દાવ સફળ રહી. બાબરના સ્થાને રમવા આવેલા કામરાન ગુલામે પહેલી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી 118 રન બનાવ્યા હતા. કામરાન પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચ રમવા આવ્યો હતો. પાકિસ્તાનની જીતના હીરો સ્પિનર નોમાન અલી અને સાજિદ ખાન રહ્યા હતા. આ મેચમાં સાજિદ અને નોમાને મળીને ઈંગ્લેન્ડની તમામ 20 વિકેટ લીધી હતી.
મેચનું સ્કોરકાર્ડ
પાકિસ્તાનઃ પેહલી ઇનિંગમાં 366 રન, બીજી ઇનિંગમાં 221 રન
લક્ષ્ય : 297 રન
ઈંગ્લેન્ડ : પેહલી ઇનિંગમાં 291 રન, બીજી ઇનિંગમાં 144 રન