બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચમાં હાર પછી આફ્રિદી અને રાશિદ લાલઘૂમ, પાકિસ્તાની ટીમની ઝાટકણી કાઢી
Pakistan vs Bangladesh Test Match : બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ બે ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે પાકિસ્તાન ગઈ છે. આ શ્રેણી ‘2023-2025 આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ’નો ભાગ છે. 25 ઓગસ્ટના રોજ રાવલપિંડીમાં પૂરી થયેલી પહેલી મેચમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને 10 વિકેટથી હરાવીને ઈતિહાસ રચી દીધો છે. ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશની આ પ્રથમ જીત છે. આ શરમજનક હાર બાદ પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓ રોષમાં છે. ફેન્સ સોશિયલ મીડિયા પર ટીમને ઠપકો આપી રહ્યા છે, તો પૂર્વ દિગ્ગજ ખેલાડીઓનો ગુસ્સો પણ ભડકી ઉઠ્યો છે. ચાલો, જાણીએ કે આ મુદ્દે કોણે શું કહ્યું.
શું કહ્યું શાહિદ આફ્રિદીએ?
પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ટીમ સિલેક્શન પર સવાલ ઉઠાવતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું હતું કે, ‘દસ વિકેટની આ કારમી હાર આ પ્રકારની પીચ તૈયાર કરવા બાબતે અને ચાર ઝડપી બોલરો લઈને નિષ્ણાત સ્પિનરને બહાર બેસાડવાના નિર્ણય પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. પાકિસ્તાની ખેલાડીઓમાં હોમ પિચ બાબતે સમજણનો અભાવ છે. બાંગ્લાદેશ સમગ્ર મેચ દરમિયાન જબરદસ્ત રમ્યું અને ઈતિહાસ રચી શક્યું.’
આવું કહ્યું રાશિદ લતીફે
અન્ય એક ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન રાશિદ લતિફે સોશિયલ મીડિયા પર રસપ્રદ પોસ્ટ મૂકી હતી જેમાં એમણે પાકિસ્તાની ટીમના વિવિધ પાસાં લખીને એમાંના મોટાભાગના પર ચોકડી મારી હતી. રાશિદે ખેલાડીઓની પિચ અને રમત બાબતની સમજણ, ખેલાડીઓ વચ્ચેના આદાનપ્રદાન, ફાઇટિંગ સ્પિરિટના અભાવ, વહેલા દાવ ડિક્લેર કરવાના નિર્ણય, ખેલાડીઓના ચયન અને શાન મસૂદની કપ્તાનીની ઝાટકણી કાઢી હતી. એમણે લખ્યું હતું કે પાકિસ્તાને વહેલો દાવ ડિક્લેર કરીને હાર વહોરી લીધી હતી.
પાકિસ્તાનની હારના એકથી વધુ કારણો
વર્ષ 2022 બાદ પાકિસ્તાન હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટ મેચ જીત્યું જ નથી. એમાં બાંગ્લાદેશ સામે પહેલીવાર ટેસ્ટમાં હાર મળી હોવાથી પાકિસ્તાનના ખેલ પ્રેમીઓ ગુસ્સામાં છે. પાકિસ્તાને પહેલો દાવ 448 રને 4 વિકેટ બાકી હોવા છતાં ડિક્લેર કરી દીધો હતો. આ નકામી ઉતાવળ એમને ભારે પડી ગઈ એવો સૂર વહેતો થયો છે. 171 રન બનાવીને નોટ આઉટ રહેલ મોહમ્મદ રિઝવાનને બેવડી સદી ફટકારવા દીધી હોત તો કમસેકમ આ મેચ ડ્રો થઈ હોત અને પાકિસ્તાન આ શરમજનક હારની નાલેશીમાંથી બચી ગયું હોત એવો બળાપો પાકિસ્તાનીઓ વ્યક્ત કરી રહ્યા છે. આ હાર સાથે પાકિસ્તાનની ટીમમાં તડાં હોવાની વાત ફરી સપાટી પર આવીને ચર્ચાવા લાગી છે કે શાન મસૂદ અને શાહિન શહ આફ્રિદી વચ્ચે બનતું નથી જેને લીધે ખેલાડીઓ બે પક્ષમાં વહેંચાઈ ગયા છે અને એમના ગજગ્રાહમાં દેશની ટીમ ભોગવી રહી છે.
ખાડે ગયેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પરફોર્મન્સ સુધરશે કે બાંગ્લાદેશ સામે એક ઔર ભૂંડી હાર થશે, એ જોવું રસપ્રદ રહેશે.