Get The App

IPL 2024માંથી બહાર થઇ શકે છે આ ત્રણ સ્ટાર ખેલાડીઓ, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે લગાવ્યો પ્રતિબંધ

અંગત હિતોને પ્રાથમિકતા આપવાના કારણે ત્રણેય ખેલાડીઓ પર આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
IPL 2024માંથી બહાર થઇ શકે છે આ ત્રણ સ્ટાર ખેલાડીઓ, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે લગાવ્યો પ્રતિબંધ 1 - image
Image:FilePhoto

Afghanistan Cricket Board Ban 3 Players : અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ગઈકાલે એક મોટો નિર્ણય લેતા તેના ત્રણ ખેલાડીઓ મુજીબ ઉર રહેમાન, ફઝલ હક ફારૂકી અને નવીન ઉલ હકના ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. અફઘાનિસ્તાન તરફથી રમવાને બદલે પોતાના અંગત હિતોને પ્રાથમિકતા આપવાના કારણે ત્રણેય ખેલાડીઓ પર આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

IPL 2024માં પણ ભાગ લેવો મુશ્કેલ

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ત્રણેય ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટેક્ટ પણ રોકી દીધા છે અને આગામી 2 વર્ષ સુધી આ ખેલાડીઓને T20 લીગ રમવા માટે NOC આપવાનો પણ ઇનકાર કરી દીધો છે. આ ઉપરાંત આગામી ટુર્નામેન્ટ રમવા માટે આ ખેલાડીઓને જે NOC આપવામાં આવી હતી તે પણ રદ કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં તેમના માટે IPL 2024માં પણ ભાગ લેવો મુશ્કેલ લાગે છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના નિવેદન અનુસાર ત્રણેય ખેલાડીઓએ તાજેતરમાં 1 જાન્યુઆરી, 2024થી શરૂ થતા વાર્ષિક સેન્ટ્રલ કોન્ટેક્ટમાંથી મુક્ત થવાની તેમની ઇચ્છા અંગે બોર્ડને જાણ કરી હતી અને ફ્રેન્ચાઇઝી ટૂર્નામેન્ટમાં રમવા માટે સંમતિ પણ માંગી હતી. ખેલાડીઓના આ નિર્ણયથી બોર્ડ નારાજ હતું અને તેણે આ અંગે કડક નિર્ણય લીધો હતો.

સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ પર સાઈન ન કરવાનું કારણ કોમર્શિયલ લીગ હતી

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના નિવેદનમાં કહ્યું, 'આ ખેલાડીઓ માટે સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ પર સાઈન ન કરવાનું કારણ કોમર્શિયલ લીગમાં રમવું હતું. જે અફઘાનિસ્તાન માટે રમવા પર પોતાના વ્યક્તિગત હિતોને પ્રાથમિકતા આપતા હતા, જેને એક રાષ્ટ્રીય જવાબદારી માનવામાં આવે છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ખેલાડીઓ સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડનો નિર્ણય ACBના મૂળ મૂલ્યો અને સિદ્ધાંતોના અનુરૂપ, રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને લેવામાં આવ્યો છે. આ દરેક ખેલાડીએ ACBના સિદ્ધાંતોને જાળવી રાખવાની અને તેમના અંગત હિતોની ઉપર દેશના હિતોને પ્રાધાન્ય આપવાની જરૂરિયાત દર્શાવે છે.'

IPLમાં આ ત્રણ ફ્રેન્ચાઈઝીને લાગી શકે છે મોટો ઝટકો 

હાલમાં જ થયેલા IPL ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મુજીબ ઉર રહેમાનને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, જયારે નવીન ઉલ હક લખનઉ સુપર જાયન્ટ્સ અને ફઝલ હક ફારૂકી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનો ભાગ છે. જો આ ત્રણેય ખેલાડીઓ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવવામાં નહીં આવે તો આ ત્રણેય ફ્રેન્ચાઈઝીને મોટો ઝટકો લાગી શકે છે.

IPL 2024માંથી બહાર થઇ શકે છે આ ત્રણ સ્ટાર ખેલાડીઓ, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે લગાવ્યો પ્રતિબંધ 2 - image


Google NewsGoogle News