ભારત સામે મહાન બેટરે ટેસ્ટમાં અધવચ્ચે જ કેમ નિવૃત્તિ જાહેર કરી? 16 વર્ષે કર્યો ચોંકાવનારો ખુલાસો
Adam Gilchrist: 16 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે ટેસ્ટ મેચની વચ્ચે જ નિવૃત્તિની જાહેરાત અંગે ખુલાસો કરતા કહ્યું છે કે એક કેચ ચૂકી જવાના કારણે નિવૃત્તિ જાહેર કરવી પડી હતી. જો એડમ ગિલક્રિસ્ટે તે સમયે 4 ટેસ્ટ મેચ વધુ રમ્યા હોત તો તેનું નામ પણ 100થી વધુ ટેસ્ટ મેચ રમનાર મહાન ઓસ્ટ્રેલિયન ખેલાડીમાં સામેલ થઈ ગયું હોત. પરંતુ એડમ ગિલક્રિસ્ટે ભારત સામેની એડિલેડ ટેસ્ટ મેચની મધ્યમાં ટેસ્ટ નિવૃત્તિની જાહેરાત કરી હતી.
લક્ષ્મણનો કેચ છોડી દીધો હતો
ગિલક્રિસ્ટે તાજેતરમાં એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે, 'છેલ્લી વખત જ્યારે હું ઓસ્ટ્રેલિયા માટે રમ્યો હતો ત્યારે એક ઘટના બની હતી. હું બ્રેટ લીના બોલને પકડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ આ મેચ પહેલાની રાતે, હું આખી રાત મારી પત્ની સાથે ફોન પર વાત કરતો રહ્યો અને પ્રવાસનું આયોજન કરતો રહ્યો, કારણ કે અમે ભારત સાથેની સિરીઝ પછી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાના હતા. તે પ્રવાસમાં, હું કદાચ મારી 99મી ટેસ્ટ રમવાનો હતો અને તે પછી અમે ફરી ભારતના પ્રવાસે જવાના હતા અને ભારતમાં, હું મારી 100મી ટેસ્ટ રમ્યો હોત અને ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ક્રિકેટરો અને વિશ્વભરના કેટલાક અન્ય ખેલાડીઓના એક એલીટ ગ્રુપમાં હું સામેલ થઈ ગયો હોત.'
મહાન વિકેટકીપરે તેમની નિવૃત્તિ અંગે વધુમાં કહ્યું કે, 'જ્યારે મારા હાથમાંથી લક્ષ્મણનો કેચ છૂટ્યો અને મેં મોટા પડદા પર તેનો રિપ્લે જોયો. આ રિપ્લે સ્ક્રિન પર ઓછામાં ઓછા 32 વખત બતાવવામાં આવ્યો હતો. આ જોઇને મેં તરત જ નિવૃત્તિ લેવાનો નિર્ણય લઈ લીધો.'
ગિલક્રિસ્ટે કહ્યું કર્યું કે, 'હેડને મને આવો કડક નિર્ણય ન લેવાથી મનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હું સંમત ન થયો અને નિવૃત્ત થઈ ગયો.'
ગિલક્રિસ્ટની કારકિર્દી
ગિલક્રિસ્ટે ઓસ્ટ્રેલિયા માટે 96 ટેસ્ટ મેચોરમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે 191 ઇનિંગ્સમાં 416 આઉટ કર્યા હતા. તેણે 379 કેચ લીધા અને 37 સ્ટમ્પિંગ કર્યા. આ બેટરે ટેસ્ટમાં 5570 રન બનાવ્યા છે. તેણે 17 સેન્ચુરી અને 26 ફિફ્ટી ફટકારી હતી. ODIમાં ગિલક્રિસ્ટે 287 મેચમાં 9619 રન બનાવ્યા હતા. જેમાં આ બેટરે 16 સેન્ચુરી અને 55 ફિફ્ટી ફટકારી છે.