ઈંગ્લેન્ડ સામે T20 માં સૌથી ઝડપી અર્ધસદી મામલે 'ગુરુ-શિષ્ય'ની જોડી ટોચના ક્રમે, અભિષેક છવાયો
Image Source: Twitter
IND VS ENG: ડાબા હાથના ઓપનર બેટ્સમેન અભિષેક શર્માએ ઈંગ્લેન્ડ સામે પ્રથમ T20માં ફરી એક વખત તોફાની બેટિંગ કરીને મહેફિલ લૂંટી લીધી છે. 133 રનનો ટાર્ગેટ ચેઝ કરતા 24 વર્ષનો આ યુવા ખેલાડી 34 બોલમાં 5 ચોગ્ગા અને 8 ગગનચુંબી છગ્ગા ફટકારીને 79 રનની શાનદાર ઈનિંગ રમ્યો હતો. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 232.35નો રહ્યો હતો. આ દરમિયાન અભિષેકે પોતાની ફિફ્ટી માત્ર 20 બોલમાં જ પૂરી કરી હતી. પોતાની અર્ધસદી સાથે અભિષેકે ગુરુ યુવરાજ સિંહના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે.
સૌથી ઝડપી અર્ધસદી ફટકારનાર બીજો ભારતીય
અભિષેક શર્મા ઈંગ્લેન્ડ સામે T20માં સૌથી ઝડપી અર્ધસદી ફટકારનાર બીજો ભારતીય બની ગયો છે. પ્રથમ નંબર પર તેનો ગુરુ યુવરાજ સિંહ છે, જેણે 2007 T20 વર્લ્ડ કપમાં ઈંગ્લિશ ટીમ સામે 12 બોલમાં આ કારનામું કર્યું હતું. આ દરમિયાન યુવરાજે સ્ટુઅર્ટ બ્રોડના 6 બોલ પર સતત 6 છગ્ગા ફટકાર્યા હતા.
બીજી તરફ અભિષેક શર્મા ભારત માટે સૌથી ઝડપી અર્ધસદી ફટકારનારા ટોપ-10 બેટ્સમેનોની લિસ્ટમાં પણ પોતાનું સ્થઆન બનાવવામાં સફળ રહ્યો છે.
ભારત માટે T20માં સૌથી ઝડપી અર્ધસદી
યુવરાજ સિંહ- 12 બોલ vs ઈંગ્લેન્ડ
કે એલ રાહુલ- 18 બોલ vs સ્કોટલેન્ડ
સૂર્યકુમાર યાદવ- 18 બોલ vs સાઉથ આફ્રિકા
ગૌતમ ગંભીર- 19 બોલ vs શ્રીલંકા
રોહિત શર્મા- 19 બોલ vs શ્રીલંકા
યુવરાજ સિંહ- 20 બોલ vs ઓસ્ટ્રેલિયા
યુવરાજ સિંહ- 20 બોલ vs શ્રીલંકા
અક્ષર પટેલ- 20 બોલ vs શ્રીલંકા
અભિષેક શર્મા- 20 બોલ vs ઈંગ્લેન્ડ
વિરાટ કોહલી- 21 બોલ vs વેસ્ટ ઈન્ડિઝ
ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત નોંધાવી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટી20 મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાનમાં રમાઈ હતી. આ મેચ ટીમ ઈન્ડિયાએ 7 વિકેટથી જીતી લીધી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી, ભારતીય ટીમ સામે ઇંગ્લૅન્ડની ટીમ 20 ઓવરમાં ઓલઆઉટ થઈ માત્ર 133 રનનો સામાન્ય ટાર્ગેટ આપી શકી હતી. જે ટાર્ગેટ ભારતે માત્ર 12.5 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો.