યુવીનો શિષ્ય IPLમાં મચાવી રહ્યો છે તોફાન, ક્લાસેન-નારાયણ જેવા સ્ટાર્સ પણ સ્ટ્રાઈક રેટમાં પાછળ
Image:IANS |
Best Batting Strike Rate In IPL 2024 : IPL 2024માં અત્યાર સુધી ઘણી વિસ્ફોટક બેટિંગ જોવા મળી છે. આ સિઝનમાં ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર પણ જોવા મળ્યો, જે સનરાઈઝર્સ હૈદરાબાદે બનાવ્યો હતો. હવે હૈદરાબાદનો એક બેટર IPLની 17મી સિઝનમાં એવી ધૂમ મચાવી રહ્યો છે કે સુનીલ નારાયણ અને હેનરિક ક્લાસેન જેવા વિસ્ફોટક બેટર પણ તેના સ્ટ્રાઈક રેટની સરખામણીમાં દેખાઈ રહ્યા નથી. હૈદરાબાદનો આ બેટર જેનું નામ અભિષેક શર્મા છે. તે પૂર્વ ભારતીય બેટર યુવરાજ સિંહનો શિષ્ય છે અને ગુરુની જેમ લેફ્ટી પણ રમે છે.
CSK સામે 308.33ના સ્ટ્રાઈક રેટથી કરી બેટિંગ
અભિષેક શર્મા આ IPL સિઝનમાં હૈદરાબાદ માટે ટોપ ઓર્ડરમાં બેટિંગ કરી રહ્યો છે. હૈદરાબાદે સિઝનની ચોથી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ સામે તેના હોમ ગ્રાઉન્ડ પર રમી હતી. હૈદરાબાદે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી, જેમાં અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગે મહત્વની ભૂમિકા ભજવી હતી. અભિષેકે 12 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 37 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 308.33 હતો. આ ઝડપી ઈનિંગ માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ મળ્યો હતો.
સુનીલ નારાયણ અને હેનરિક ક્લાસેનથી પણ આગળ
IPL 2024માં ઓછામાં ઓછા 50 બોલ રમી ચૂકેલા બેટરોમાં અભિષેક શર્માનો સ્ટ્રાઈક રેટ સર્વશ્રેષ્ઠ છે. તે 217.56ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે. હૈદરાબાદના આ બેટરે 4 મેચમાં 161 રન બનાવ્યા છે. શ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટની આ યાદીમાં કોલકાતાનો સુનીલ નારાયણ બીજા સ્થાને અને હૈદરાબાદનો હેનરિક ક્લાસેન ત્રીજા સ્થાને છે.
IPL 2024માં શ્રેષ્ઠ બેટિંગ સ્ટ્રાઈક રેટ (ઓછામાં ઓછા 50 બોલ રમી ચૂકેલા બેટર)
217.56 - અભિષેક શર્મા (સનરાઇઝર્સ હૈદરાબાદ)
206.15 - સુનીલ નારાયણ (કોલકાતા નાઈટ રાઈડર્સ)
203.44 - હેનરિક ક્લાસેન (સનરાઇઝર્સ હૈદરાબાદ)
180.64 - ટ્રેવિસ હેડ (સનરાઇઝર્સ હૈદરાબાદ)
175.90 - નિકોલસ પૂરન (લખનઉ સુપર જાયન્ટ્સ)