Get The App

છગ્ગાથી શરૂઆત, છગ્ગાથી ફિફ્ટી અને છગ્ગાથી જ સેન્ચુરી, ભારતના તોફાની બેટરની રેકોર્ડની વણઝાર

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
Abhishek Sharma IND vs ZIM 2nd T20I


Abhishek Sharma, IND vs ZIM 2nd T20I: ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામેની T-20 સીરિઝમાં જોરદાર વાપસી કરી છે. 7મી જુલાઈ રવિવારના રોજ હરારેમાં રમાયેલી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમે બે વિકેટે 234 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 18.4 ઓવરમાં 134 રનમાં સમેટાઈ ગઈ હતી. આ જીત સાથે ભારતે પાંચ મેચની સીરિઝ 1-1થી બરાબર કરી લીધી છે. 

ઝિમ્બાબ્વે સામેની મેચમાં ભારતની જીતનો હીરો અભિષેક શર્મા

ઝિમ્બાબ્વે સામેની બીજી ટી-20 મેચમાં ભારતની જીતનો હીરો અભિષેક શર્મા રહ્યો હતો. તેની કારકિર્દીની બીજી જ ટી-20 માં 47 બોલમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 100 રનની ઇનિંગ રમી હતી. 

અભિષેકે ઈનિંગની 14મી ઓવરમાં વેલિંગ્ટન મસાકાડજા સામે સતત ત્રણ સિક્સર ફટકારીને 46 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. જોકે, તે વેલિંગ્ટન મસાકાડઝાના બીજા જ બોલ પર તે આઉટ થયો હતો.

ટી-20 ઈતિહાસમાં આ એક મોટી સિદ્ધિ

પોતાની ડેબ્યૂ મેચમાં અભિષેક 4 બોલ રમીને પોતાનું ખાતું ખોલાવી શક્યો ન હતો. પરંતુ તેણે આ મેચમાં ધમાલ મચાવી દીધી હતી. અભિષેકે આ મેચમાં છગ્ગાથી પોતાનું ખાતું ખોલાવ્યું હતું. ત્યારપછી તેણે એક છગ્ગાથી ફિફ્ટી અને છગ્ગાથી સેન્ચુરી પૂરી કરી હતી. ટી-20 ઈતિહાસમાં આ એક મોટી સિદ્ધિ છે. જો જોવામાં આવે તો અભિષેકે તેના છેલ્લા 23 બોલમાં સાત છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી 72 રન બનાવ્યા હતા. જ્યારે અભિષેકે પ્રથમ 24 બોલમાં માત્ર 28 રન બનાવ્યા હતા.

સતત ત્રણ છગ્ગા ફટકારીને સદી પૂરી કરી બનાવ્યા આ રેકોર્ડ

અભિષેક શર્મા આંતરરાષ્ટ્રીય મેચમાં સતત ત્રણ છગ્ગા ફટકારીને સદી પૂરી કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો છે. અભિષેક પોતાની બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ છે. આ પહેલા દીપક હુડ્ડાએ ત્રીજી મેચમાં સદી ફટકારી હતી, જેનો રેકોર્ડ તૂટી ગયો છે.

અભિષેક શર્માએ આ મેચમાં સ્પિનરો સામે 65 રન બનાવ્યા હતા, જે ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારત માટે સૌથી વધુ રન છે. 

તેણે યુવરાજ સિંહના 57 રનને પાછળ છોડી દીધા હતા. યુવરાજે 2012માં અમદાવાદમાં પાકિસ્તાન સામે તેને બનાવ્યો હતો. અભિષેકે આ મેચમાં સ્પિનરો સામે 28 બોલમાં 65 રન બનાવ્યા જેમાં છ છગ્ગા અને ચાર ચોગ્ગા સામેલ હતા. 

ઝિમ્બાબ્વેની ધરતી પર ટી-20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર અભિષેક ત્રીજો ખેલાડી છે. અભિષેક પહેલા માત્ર એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા) અને સ્ટીવન ટેલર (યુએસએ) જ આ કરી શક્યા હતા. ફિન્ચે 2018માં હરારેમાં ઝિમ્બાબ્વે સામે 172 રનની ઇનિંગ રમી હતી. જ્યારે સ્ટીવન ટેલરે 2022માં બુલાવાયોમાં જર્સી સામે અણનમ 101 રન બનાવ્યા હતા.

ટી-20માં સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય

21 વર્ષ 279 દિવસ- યશસ્વી જયસ્વાલ vs નેપાળ, 2023

23 વર્ષ 146 દિવસ- શુભમન ગિલ vs ન્યુઝીલેન્ડ, 2023

23 વર્ષ 156 દિવસ- સુરેશ રૈના vs દક્ષિણ આફ્રિકા, 2010

23 વર્ષ 307 દિવસ- અભિષેક શર્મા vs ઝિમ્બાબ્વે, 2024*

યુવરાજ સિંહની નજીક છે અભિષેક 

અભિષેક ક્રિકેટર યુવરાજ સિંહની પણ ખૂબ નજીક છે, તે ઘણી વખત યુવરાજ સાથે જિમ કરતો જોવા મળ્યો છે. યુવરાજે તેને માર્ગદર્શન પણ આપ્યું છે. યુવરાજ પોતે ઘણી વખત અભિષેકના વખાણ કરી ચૂક્યો છે. યુવરાજે એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે અભિષેકમાં તેને પોતાની ઝલક દેખાય છે. તેમજ અભિષેક ભારતીય ક્રિકેટર શુભમન ગિલનો બાળપણનો મિત્ર છે, બંનેએ જુનિયર લેવલ પર એકબીજા સાથે ઘણું ક્રિકેટ રમ્યું છે.

છગ્ગાથી શરૂઆત, છગ્ગાથી ફિફ્ટી અને છગ્ગાથી જ સેન્ચુરી, ભારતના તોફાની બેટરની રેકોર્ડની વણઝાર 2 - image

https://www.gujaratsamachar.com/news/sports/zimbabwe-vs-india-2nd-t20i-at-harare-zim-v-ind-live-score-match-cricket-sports-record


Google NewsGoogle News