ક્રિકેટ જગતના એવા 3 દિગ્ગજ ક્રિકેટર જે ભારત અને પાકિસ્તાન બંને ટીમમાંથી રમ્યાં, નામ જાણી ચોંકશો
Image : Pixabay |
India And Pakistan: ભારત અને પાકિસ્તાનના આઝાદી દિવસમાં એક જ દિવસનો તફાવત છે. પાકિસ્તાનમાં જ્યાં 14મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવાય છે અને ભારતમાં 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થાય છે. ભારત અને પાકિસ્તાન ભલે આજે અલગ-અલગ દેશો છે. પરંતુ બંને દોશોમાં ક્રિકેટ ખૂબ લોકપ્રિય રમત છે. ત્યારે આજે એવા ત્રણ દિગ્ગજ ક્રિકેટરોની વાત કરીશું કે જેઓ ભારત અને પાકિસ્તાન બંને ટીમમાંથી રમ્યાં હતા. નામ જાણીને તમે પણ ચોંકી જશો.
બંને દેશોમાં ક્રિકેટ લોકપ્રિય રમત
ભારત આજે (15 ઓગસ્ટ) તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોએ ખંડિત રીતે ભારતને આઝાદી અપાવી. ભારતને હિન્દુસ્તાન અને પાકિસ્તાન એમ બે ભાગમાં વહેંચી દીધું. જેના કારણે ઘણા પરિવારો વિખૂટા પડી ગયા અને લાખો લોકોએ જીવ ગુમાવ્યા. ભારત અને પાકિસ્તાન અલગ અલગ દેશો હોવા છતાં રાજકીય, સાંસ્કૃતિક અને સામાજિક રીતે ઘણી સમાનતાઓ છે. રમત-ગમત બંને દેશોને જોડે છે. જ્યારે ક્રિકેટની વાત આવે ત્યારે બંને દેશોના ચાહકોનો રોમાંચ ચરમસીમાએ હોય છે. ત્યારે 3 એવા ખેલાડીઓ છે, જેઓ ભારત અને પાકિસ્તાન બંને માટે ક્રિકેટ મેચ રમી ચૂક્યા છે.
અબ્દુલ હફીઝ કારદાર
અબ્દુલ હફીઝ કારદાર (Abdul Hafeez Kardar)નો જન્મ 1925ની 17 જાન્યુઆરીએ લાહોરમાં થયો હતો. તેમણે ઈંગ્લેન્ડમાં અભ્યાસ કર્યા બાદ 1946માં ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તે સમયના સૌથી નીડર ક્રિકેટરોમાં તેની ગણતરી થતી હતી. તેણે ભારત માટે માત્ર ત્રણ ટેસ્ટ મેચ રમી હતી. આ પછી તેઓ પાકિસ્તાન માટે 23 મેચ રમ્યા હતા, અને તમામ મેચમાં તેઓ જ કેપ્ટન હતા. એટલુ જ નહીં અબ્દુલ હફીઝ કારદારને પાકિસ્તાની ક્રિકેટના પિતા પણ માનવામાં આવે છે. તેમણે કારકિર્દીમાં કુલ 26 ટેસ્ટ મેચ રમીને 921 રન બનાવ્યા તેમજ 21 વિકેટ પણ ઝડપી હતી. ઉલ્લેખનીય છેકે કારદાર પાકિસ્તાન બોર્ડ ઓફ કંટ્રોલ એન્ડ સિલેક્ટર્સના અધ્યક્ષ પણ બન્યા હતા.
ગુલ મોહમ્મદ
કારદાર ઉપરાંત ગુલ મોહમ્મદ (Gul Mohammad) પણ ભારત અને પાકિસ્તાન માટે ક્રિકેટ મેચ રમી ચૂક્યા છે. ગુલ મોહમ્મદનો જન્મ 1921ના 15મી ઓક્ટોબરે લાહોરમાં જ થયો હતો. તેઓ પોતાની શાનદાર બેટિંગ અને મીડિયમ પેસ બોલિંગ માટે જાણીતા હતા. ગુલ મોહમ્મદે ભારત માટે 8 ટેસ્ટ અને પાકિસ્તાન માટે માત્ર એક ટેસ્ટ મેચ રમી હતી. આઝાદી પછી તરત જ તેઓ પાકિસ્તાન જતા રહ્યા હતા. તેમણે ભારત માટે છેલ્લી મેચ વર્ષ 1952માં પાકિસ્તાન સામે જ રમી હતી. ત્યારબાદ તે પાકિસ્તાની ટીમ સાથે જોડાયા હતા. ગુલ મોહમ્મદએ કારકિર્દીની 9 ટેસ્ટ મેચમાં 205 રન બનાવ્યા હતા તેમજ બે વિકેટ ઝડપી હતી.
આમિર ઈલાહી
ભારત અને પાકિસ્તાન ટીમ તરફથી ક્રિકેટ રમનાર ક્રિકેટરમાં ત્રીજુ નામ આમિર ઈલાહી (Amir Elahi)નું આવે છે. જેઓ પણ બંને દેશની નેશનલ ટીમમાં ક્રિકેટ રમી ચૂક્યા છે. આમિર ઈલાહીએ 1947ની 12મી ડિસેમ્બરે ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ભારત માટે તેઓ એકમાત્ર ટેસ્ટ રમ્યા હતા અને ત્યારબાદ પાકિસ્તાન તરફથી પાંચ ટેસ્ટ મેચ રમી હતી. તેમણે પોતાની અંતિમ મેચ ભારત સામે જ 1952માં રમી હતી. ઈલાહીએ કેરિયરની 6 ટેસ્ટ મેચોમાં કુલ 82 રન બનાવ્યા હતા અને સાત વિકેટ પણ ઝડપી હતી.
આ પણ વાંચો : ભારતીય ક્રિકેટ ટીમને મળ્યા નવા બોલિંગ કોચ, ગંભીરે પોતાના મિત્રની કરાવી નિમણૂક